બુર્ઝ ખલિફા ત્રિરંગાના રંગથી ઝગમગી ઉઠ્યું
દુબઇઃ ભારતના વડા પ્રધાન બે દિવસના સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)ના પ્રવાસ પર ગયા હતા. વડા પ્રધાન મોદીના સ્વાગતમાં દુબઇના બુર્ઝ ખલીફાને ભારતીય ત્રિરંગાના રંગમાં રંગવામાં આવ્યું હતું. એની સાથે વિશ્વની સૌથી ઉંચી બિલ્ડિંગ પર ગેસ્ટ ઓફ ઓનર- રિપબ્લિક ઓફ ઈન્ડિયા લખ્યું હતું.
2024 ગ્લોબલ ગવર્નમેન્ટ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પહેલાં દુબઈનું બુર્જ ખલીફા ભારતીય ત્રિરંગાના રંગોમાં રંગાયેલું જોવા મળ્યું હતું. નોંધનીય છે કે વડા પ્રધાન તેમના સાત વર્ષના કાર્યકાળમાં સાતમી વખત યુએઇ પહોંચ્યા હતા.
વડા પ્રધાનનું સ્વાગત કરતા દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે તેમના સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ભારતીય ત્રિરંગો અને વર્લ્ડ ગવર્મેન્ટ સમિટના લોગો સાથેની બુર્ઝ ખલિફાની તસવીર પોસ્ટ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો આંતરરાષ્ટ્રીય સહયોગ માટે એક મોડેલ તરીકે કામ કરે છે અને આ કાર્યક્રમમાં ભારતને વિશેષ અતિથિ તરીકે સામેલ કરવાનો આનંદ છે.