સ્પોર્ટસ

39 વર્ષનો ખેલાડી બન્યો વન-ડેનો નંબર-વન ઑલરાઉન્ડર!

દુબઈ: ભારત અને પાકિસ્તાનના પાડોશી દેશ અફઘાનિસ્તાને વન-ડે ક્રિકેટમાં 2009ની સાલમાં પ્રવેશ કર્યો અને એણે એવી હરણફાળ ભરી કે એના ક્રિકેટરો અનેક શાનદાર પર્ફોર્મન્સને લીધે કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગમાં વસી ગયા છે. એટલું જ નહીં, મોટા-મોટા ક્રિકેટ-રાષ્ટ્રોના ખેલાડીઓને પાછળ રાખીને રૅન્કિંગમાં એના પ્લેયર નંબર-વન બન્યા છે. રાશિદ ખાનના કરિશ્માથી સૌ કોઈ વાકેફ છે જ. હવે મોહમ્મદ નબી પણ ઘેર-ઘેર જાણીતો થઈ ગયો છે. એ જ નબીએ બુધવારે અનેરી સિદ્ધિ મેળવી. તે વન-ડેના ઑલરાઉન્ડર્સમાં બાંગલાદેશને શાકિબ-અલ-હસનને હટાવીને નંબર-વન થઈ ગયો છે.

નવાઈની વાત એ છે કે નબી 39 વર્ષનો છે. આ એ ઉંમર છે જ્યારે ઘણા ખેલાડીઓ નિવૃત્તિ લઈ લેતા હોય છે અથવા પર્ફોર્મન્સનો અસલ ટચ ગુમાવી બેઠા હોય છે. જોકે જિંદગીના 39 વર્ષ પૂરા કરનાર રાઇટ-હૅન્ડ બૅટર અને ઑફ સ્પિનર નબીએ છેલ્લા પાંચ વર્ષથી ઑલરાઉન્ડર્સમાં અવ્વલ રહેલા શાકિબને ફકત ચાર પૉઇન્ટ માટે બીજા નંબર પર ધકેલી દીધો છે. શાકિબને મોખરાના સ્થાનેથી હટાવવાનું જે કામ મોટા દેશોના ઑલરાઉન્ડરો ન કરી શક્યા એ કામ નબીએ કરી દેખાડ્યું છે. શાકિબના 310 સામે નબીના 314 રેટિંગ પૉઇન્ટ છે. શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં નબીએ 9 ફેબ્રુઆરીની મૅચામં ત્રણ છગ્ગા અને પંદર ચોક્કાની મદદથી 130 બૉલમાં જે 136 રન બનાવ્યા એ ફટકાબાજી બદલ નબીના પૉઇન્ટ ઘણા વધી ગયા અને પહેલી વાર નંબર-વન થઈ ગયો. વન-ડેના ટૉપ-ટેન ઑલરાઉન્ડરોમાં એકમાત્ર ભારતીય છે જેમાં રવીન્દ્ર જાડેજા 10મા સ્થાને છે.


શાકિબે ટી-20ના ઑલરાઉન્ડર્સમાં ફર્સ્ટ રૅન્ક જાળવી રાખી છે એ વાત અલગ છે, પણ વન-ડેમાં તેના એકચક્રી શાસનનો અંત આવ્યો છે. ટેસ્ટના ઑલરાઉન્ડરોમાં રવીન્દ્ર જાડેજા ઘણા સમયથી નંબર-વન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button