પુણેમાં પોલીસ ચોકીની બહાર યુવકે કર્યું અગ્નિસ્નાન: હાલત ગંભીર
પુણે: પોતાની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરનારા 34 વર્ષના યુવકે પોલીસ ચોકીની બહાર અગ્નિસ્નાન કર્યું હોવાની ઘટના પુણેમાં બની હતી. દાઝી ગયેલા યુવકને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હોઇ તેની હાલત નાજુક છે.
વાઘોલી વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી બહાર મંગળવારે આ ઘટના બની હતી. દાઝી ગયેલા યુવકની ઓળખ રોહિદાસ જાધવ તરીકે થઇ હતી. પોલીસ કર્મચારીઓએ આગ બુઝાવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
રોહિદાસે હાઉસિંગ સોસાયટીમાં પાર્કિંગના વિવાદને લઇ અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે માત્ર એનસી (બિનદખલપાત્ર ગુનો) દાખલ કરી હતી.
રોહિદાસ મંગળવારે સવારે વાઘોલી વિસ્તારની પોલીસ ચોકીમાં આવ્યો હતો અને પોતાની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જોકે એનસી હેઠળ ધરપકડની કોઇ જોગવાઇ ન હોવાથી પોલીસે તેને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી.
જોકે રોહિદાસને વિશ્ર્વાસ બેઠો નહોતો. ચોકીમાંથી બહાર આવ્યા બાદ રોહિદાસે જ્વલનશીલ પદાર્થ શરીર પર નાખીને અગ્નિસ્નાન કર્યું હતું. (પીટીઆઇ)