આપણું ગુજરાત

Narmada Yojana: નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યોએ ગુજરાતને રૂ.7,576 કરોડ આપવાના બાકી, સરકારે આપી માહિતી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં નર્મદા યોજનાની અંદાજપત્રીય માંગણીઓ અંગે ચર્ચા દરમિયાન રાજ્ય સરકારે માહિતી આપી હતી કે, નર્મદા યોજના માટે ગુજરાતના ત્રણ ભાગીદાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાને ગુજરાતને રૂ. 7,576 કરોડના આપવાનાં બાકી છે. ગુજરાત સરકારના પ્રધાન અને પ્રવક્તા રૂષિકેશ પટેલે મંગળવારે આ અંગે માહિતી આપી હતી.

રૂષિકેશ પટેલે કહ્યું કે, “કુલ બાકી રકમના 68 ટકા એટલે કે રૂ.5,144 કરોડ વિવાદ હેઠળ છે. બાકીની રકમ માટે અમે સતત ચર્ચાઓ કરી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષોમાં, અમને રૂ. 1,002 કરોડ મળ્યા છે અને પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી, અમને ભાગીદાર રાજ્યો પાસેથી રૂ.4,868 કરોડ મળ્યા છે, સરકાર આ પ્રોજેક્ટને 2025-26 સુધીમાં પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે.”

કોંગ્રેસના વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે જો ભાગીદાર રાજ્યો પાસેથી રકમ વસૂલવામાં આવે તો ગુજરાતે કદાચ લોન લેવી ન પડે અને આ ભંડોળનો ઉપયોગ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે થઈ શકે. મધ્યપ્રદેશે રૂ. 5,225 કરોડ, મહારાષ્ટ્રને રૂ. 1,778 કરોડ અને રાજસ્થાનને રૂ. 571 કરોડ દેવાના બાકી છે.

નોંધનીય છે કે ગુજરાત સહીત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની અથવા તો ભાજપ સમર્થિત ગઠબંધનની સરકાર છે, છતાં રૂ.5,144 કરોડ વિવાદને કારણે ફસાયેલા છે. એવામાં સરકારો વચ્ચે સહમતી સધાઈ તો ગુજારત સરકારના ફસાયેલા રૂપિયા લોકહિતમાં માટે ઉપયોગમાં લઇ શકાય છે. આ વિવાદ ઉલેકવા ગુજરાત સરકાર શું પગલા લેશે એ જોવું રહ્યું.

નર્મદા યોજનાની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button