ચોરને પણ ખબર છે કે National Awardની કિંમત શું છે એટલે ચોરી કરેલો એવોર્ડ પાછો આપી ગયા
ચેન્નઈઃ કોઈપણ ને નેશનલ એવોર્ડ મળવો સહેલી વાત નથી. આખી જિંદગી ખર્ચ્યા બાદ પણ એવોર્ડ મળતો નથી. ત્યારે સામાન્ય વ્યક્તિ તો શું ચોર પણ આ વાત સમજે છે અને આવો જ એક કિસ્સો બન્યો છે. અંચબામાં મૂકી દેતી એક ઘટના સાઉથના ડિરેક્ટર સાથે બની છે. તાજેતરમાં તમિલ ફિલ્મના દિગ્દર્શક એમ મણિકંદન Manikandanના ઘરમાં કેટલાક ચોરોએ ચોરી કરી હતી. આ ઘટના મદુરાઈના ઉસીલામપટ્ટીમાં બની હતી, જ્યાં તાજેતરમાં કેટલાક ચોરો ડિરેક્ટરના ઘરમાં ઘૂસી ગયા હતા અને ઘરમાં રાખેલા સોનાના દાગીના, રૂ. 1 લાખ રોકડા અને રાષ્ટ્રીય પુરસ્કારો અને મેડલ લઈ ગયા હતા. કાકા મુટ્ટાઈ અને કદાઈસી વિવાસાઈ જેવી પ્રખ્યાત ફિલ્મો માટે પ્રખ્યાત ડિરેક્ટર એમ મણિકંદન અને તેનો પરિવાર ચેન્નઈ ગયો હતો. ચોરોએ ડાયરેક્ટરના ઘરમાં ઘૂસીને સોનાના દાગીના, રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓની લૂંટ કરી હતી. આ સાથે ચોર ઘરમાંથી કેટલાક મેડલ અને પુરસ્કાર પણ લઈ ગયા હતા.
આ ઘટના બાદ એમ મણિકંદને ઉસિલમપટ્ટી પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. જોકે પોલીસ વસ્તુઓને શોધે તે પહેલા આશ્ચર્ય પમાડે તેવી ઘટના ઘટી. ચોરોએ મણિકંદનના ઘરની બહાર પોલિથીન બેગ લટાકવી હતી, જેમાં મેડલ્સ અને નેશનલ એવોર્ડ હતો અને સાથે ચીટ્ઠી પણ હતી. જેમાં લખ્યું હતું માફ કરજો. આ મહેનત માત્ર તમારી છે.
જો કે ચોરોએ મેડલ અને પુરસ્કારો પરત કરી દીધા હોવા છતાં, ચોરેલા સોનાના દાગીના અને પૈસા હજુ પણ પાછા મળ્યા નથી. મણિકંદન પોતાના પરિવાર સાથે ચેન્નાઈમાં રહે છે. તેની પાસે ઉસિલમપટ્ટીમાં એક પાલતુ શ્વાન છે, જેની સંભાળ તેનો મિત્ર રાખે છે. મણિકંદનના મિત્રને ચોરીની જાણ ત્યારે થઈ જ્યારે તે શ્વાનને ખવડાવવા ગયો હતો.