Rajyasabha Election: યુપીથી જયા બચ્ચન અને સપાના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, વિધાનસભ્યોને અંતરાત્માનો અવાજ સાંભળી મત આપવા અપીલ
લખનઉ: સમાજવાદી પાર્ટી (Samajwadi Pary) તરફથી રાજ્યસભા ચૂંટણી (Rajysabha Election)માટે જાહેર થયેલા ઉમેદવાર પૂર્વ સાંસદ રામજીલાલ સુમન, જયા બચ્ચન અને ભૂતપૂર્વ IAS અધિકારી આલોક રંજનને ઉમેદવારી પત્રક ભર્યું હતું. તેમણે ઉત્તરપ્રદેશ વિધાનસભા પહોંચી ઉમેદવારી નોંધાવી હતી.
મંગળવારે બપોરે ત્રણેય સપા ઉમેદવારોએ વિધાનસભામાં રિટર્નિંગ ઓફિસર બ્રજભૂષણ દુબે સમક્ષ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ સમયે સપા પ્રમુખ અખિલેશ યાદવ, રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ સિંહ યાદવ, સાંસદ ડિમ્પલ યાદવ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.
ચૂંટણી અધિકારી અને વિધાનસભાના વિશેષ સચિવ દુબેએ જણાવ્યું હતું કે ત્રણેય ઉમેદવારોએ દરેક બે સેટમાં તેમના ઉમેદવારી પત્રો સબમિટ કર્યા હતા. 16 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યાથી ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે.
રામજીલાલ સુમન ચાર વખત ફિરોઝાબાદથી સાંસદ રહી ચૂક્યા છે.
તેઓ 1977માં જનતા પાર્ટીની ટિકિટ પર, 1989માં જનતા દળની ટિકિટ પર અને 1999 અને 2004માં સપાની ટિકિટ પર સાંસદ બન્યા હતા. પૂર્વ દિગ્ગજ અભિનેત્રી બચ્ચનને સમાજવાદી પાર્ટી 2004થી રાજ્યસભામાં મોકલી રહી છે.
ભૂતપૂર્વ IAS અધિકારી આલોક રંજન સમાજવાદી પાર્ટીના અગાઉના કાર્યકાળ દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ હતા અને અધિકારી વર્ગમાં તેમનો મજબૂત પ્રભાવ માનવામાં આવે છે.
સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, રાષ્ટ્રીય લોકદળ(RLD)ના NDA ગઠબંધનમાં જોડાવાથી રાજ્યસભાની ચૂંટણીના પરિણામો પર કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યું હતું કે સપા ગઠબંધન પાસે એટલું સંખ્યાબળ છે કે તે પોતાના ત્રણેય ઉમેદવારોને જીત અપાવી શકે છે.
જયારે રાજેન્દ્ર ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું પાર્ટી તેના ત્રણ ઉમેદવારોને રાજ્યસભામાં મોકલવા માટે એક મતથી પાછળ રહી શકે છે, તો તેમણે કહ્યું, “અમે તમામ વિધાનસભ્યોને તેમના અંતરાત્માની વાત સાંભળીને મત આપવા માટે અપીલ કરીશું. અમારા તમામ ઉમેદવારો જીતશે.”
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પાસે 108 વિધાનસભ્ય છે, ત્યારે કોંગ્રેસ પાસે માત્ર બે વિધાનસભ્યો છે.