ધાતુમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં છેલ્લાં ચાર સત્ર દરમિયાન વિવિધ ધાતુઓના ભાવમાં નરમાઈનું વલણ રહ્યા બાદ આજે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નીકળેલી લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૫૬ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે માત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં કામકાજો પાંખાં રહેતા ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી અને વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૬ વધીને રૂ. ૨૪૨૫ અને રૂ. નવ વધીને રૂ. ૭૩૮ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમાં કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. છ વધીને રૂ. ૭૧૧, કોપર સ્ક્રેપ હેવી. કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૭૦૩, રૂ. ૬૫૮ અને રૂ. ૧૩૭૮, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૬૯૪, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૫૦૭ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૨૦૬ અને રૂ. ૨૧૦ના મથાળે રહ્યા હતા.