વેપાર

સોનામાં ₹ ૯૩નો ધીમો સુધારો, ચાંદી ₹ ૯૮ ઘટી

મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે થનારી જાન્યુઆરી મહિનાની ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો તેમ જ ચાંદીમાં પણ ભાવ વધી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૨થી ૯૩નો સુધારો આવ્યો હતો. જોકે, ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૯૮નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ગઈકાલના વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૮ના પ્રત્યાઘાતી ઘટાડા સાથે રૂ. ૭૧,૦૪૨ના મથાળે રહ્યા હતા. આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે રોકાણકારો અને સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી છૂટીછવાઈ લેવાલીને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૨ વધીને રૂ. ૬૨,૧૪૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૩ વધીને રૂ. ૬૨,૩૯૪ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની શરૂઆતનો આરંભ ક્યારથી શરૂ કરશે તેનો આધાર ફુગાવાના ડેટા પર નિર્ભર હોય છે. આથી આજે મોડી સાંજે અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પર રોકાણકારોની નજર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ હોવા છતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ પર સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટી સુધી ઘટ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને અનુક્રમે ૨૦૨૭.૯૯ ડૉલર અને ૨૦૪૧.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button