શ્રીનગરમાં બે પંજાબી શ્રમિકની હત્યામાં સંડોવાયેલો આતંકવાદી પકડાયો: પોલીસ
સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ : કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે ગયા અઠવાડિયે જે બે પંજાબી રહેવાસીની હત્યા કરાઈ હતી એ હુમલામાં સંડોવાયેલા એક આતંકવાદીને હથિયારો સાથે પકડવામાં આવ્યો છે.
અધિકારીઓનો દાવો છે કે પોલીસે એક સપ્તાહથી ઓછા સમયમાં ગ્રિષ્મકાલીન રાજધાની શ્રીનગરમાં પંજાબના પ્રવાસી શ્રમિકો પર જીવલેણ હુમલો કરનાર એક આતંકવાદીની ધરપકડ કરાઈ છે.
એડીજીપી વિજય કુમાર અને આઈજીપી વી. કે. બદરીએ એક પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે પોલીસે છ દિવસની અંદર શ્રીનગર હુમલા માટે દોષિત એક આતંકવાદીને ઝબ્બે કર્યો છે અને હુમલાના કેસને ઉકેલ્યો છે. આદિલ મંજૂરને હુમલામાં સંડોવણીના આરોપસર પકડવામાં આવ્યો છે અને હુમલામાં વપરાયેલાં હથિયારો પણ જપ્ત કરાયાં છે. અહીં ઉલ્લેખનીય છે કે બુધવારે સાંજે પંજાબના અમૃતસરના ૩૧ વર્ષીય અમૃતપાલ સિંહની શ્રીનગરના શહીદગંજ વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળી મારીને
હત્યા કરી હતી અને તેના સહયોગી ૨૫ વર્ષના રોહિત ગંભીરને ઘાયલ કર્યો હતો. રોહિતે બીજા દિવસે શ્રીનગરની તૃતીયક દેખભાળ હૉસ્પિટલમાં છેલ્લો શ્ર્વાસ લીધો હતો. બે પંજાબીની હત્યા બાદ આખા કાશ્મીર ખીણમાં વિરોધ પ્રદર્શન અને કૂચ નીકળ્યા હતા. લોકોએ ‘રક્તપાત’ અટકાવવાની માગણી કરી હતી.