સમય રહેતા જાગી જાવ: કૉંગ્રેસને સિદ્દિકીની સલાહ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા કૉંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે કૉંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેના વિશે પ્રતિક્રિયા આપતા હાલમાં જ કૉંગ્રેસ છોડી અજિત પવાર જૂથની એનસીપીમાં સામેલ થનારા બાબા સિદ્દિકીએ કૉંગ્રેસના નેતૃત્વ ઉપર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે હજી પણ સમય છે. સમય રહેતા કૉંગ્રેસ જાગે તો સારું. અશોક ચવ્હાણની એક્ઝિટ કૉંગ્રેસ માટે ‘વેક અપ કૉલ’ હોવાનું જણાવતા સિદ્દિકીએ કહ્યું હતું કે અશોક ચવ્હાણે મને ફોન કર્યો હતો અને ટૂંક સમયમાં મુલાકાત કરશે એમ કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકો તો છોડીને જશે જ. વ્યક્તિ જ્યારે ગૂંગળામણ અનુભવે છે ત્યારે છટકવાનો રસ્તો શોધે જ છે. આ કૉંગ્રેસ માટે વેક અપ કૉલ છે, પરંતુ મને નથી લાગતું કે કૉંગ્રેસ જાગશે.
કૉંગ્રેસની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ દીવાસ્વપ્નોમાં રાચેલી છે અને ભ્રમમાં જીવી રહી છે. સામે શું છે તે જોઇ શકતી નથી. ૧૮૮૫માં રચાયેલા પક્ષ માટે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત ગણાય કે લોકો તેને આ રીતે છોડીને જઇ રહ્યા છે. લોકો કૉંગ્રેસ છોડી રહ્યા છે તેનું કંંઇક કારણ તો હશે જ.
લોકો કૉંગ્રેસ શા માટે છોડી રહ્યા છે તેનું કારણ જણાવતાં સિદ્દિકીએ કહ્યું કે હાઇ કમાન્ડ જે રીતના નિર્ણયો લઇ રહી છે તેના કારણે લોકો કૉંગ્રેસ છોડી રહ્યા છે. કોણ ચોક્કસ નેતાના કારણે આવું થઇ રહ્યું છે એમ નથી. સામૂહિક ધોરણે હાઇ કમાન્ડ જે રીતના નિર્ણયો લઇ રહી છે, તેના કારણે લોકો નારાજ છે.