શિલફાટા જંકશન પરના ફ્લાયઓવરની પનવેલ તરફની લેનનું લોકાર્પણ
ફ્લાયઓવરથી જેએનપીટી અને થાણે રોડ પરની ટ્રાફિકની સમસ્યાથી થશે છૂટકારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નેશનલ હાઈવે -૪૮ શિલફાટા જંકશન પર ઊભા કરવામાં આવેલા ફ્લાયઓવરના પનવેલ તરફ જતી લેનનું મંગળવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે લોર્કાપણ કરવામાં આવ્યું હતું. શીલફાટા ફ્લાયઓવરને કારણે પ્રવાસનો સમય ઘટી જશે અને ઈંધણની બચત થશે પણ એ સાથે જ જેએનપીટી અને થાણે રોડ પરની ટ્રાફિકની સમસ્યાથી પણ છૂટકારો મળશે એવો દાવો સરકારે કર્યો છે. પનવેલ તરફ જનારા આ ફ્લાયઓવરના આ ભાગમાં ત્રણ રોડ આવતા હોઈ મુંબ્રા દિશામાં જનારી બાજુ આગામી બે મહિનામાં ખુલ્લી મુકવામાં આવશે. આ ફ્લાયઓવર પર કુલ ૩+૩ રસ્તા હોઈ તેની કુલ પહોળાઈ ૨૪ મીટર છે. પુલની કુલ લંબાઈ ૭૩૯.૫ મીટર છે. મુંબ્રા બાજુ તરફ (એ-વન) અને પનવેલ બાજુ (એ-ટુ) તરફ જતો રસ્તો અનુક્રમે ૨૭૧.૫ મીટર અને ૧૬૮.૦ મીટર લંબાઈનો છે. આ પુલના નિર્માણ માટે ૩૦ મહિનાનો સમય લાગ્યો છે. આ પ્રોેજેક્ટની અંદાજિત કિંમત લગભગ ૪૫.૬૮ કરોડ રૂપિયા છે. મુંબઈ અને આસપાસના વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવે તે માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) આ પુલનું કામ હાથમાં લીધું હતું. આ પુલને કારણે હવે નેશનલ હાઈવે ૪૮ પર થાણે અને જેએનપીટી દરમિયાનની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવવામાં મદદ મળશે એવું માનવામાં આવે છે.