આમચી મુંબઈ

શૅરબજારમાં રોકાણને બહાને વેપારી સાથે ₹ ૮૯ લાખની છેતરપિંડી: છ સામે ગુનો

થાણે: શેરબજારમાં રોકાણને બહાને વેપારી સાથે રૂ. ૮૯ લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે છ જણ સામે ગુનો દાખલ કર્યો હતો.

નવી મુંબઈના ખારઘરમાં રહેનારા વેપારી અભિષેક આનંદકુમાર જૈને (૪૧) આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ૧૨ ફેબ્રુઆરીએ ગુનો દાખલ કરાયો હતો.

ફરિયાદ અનુસાર છ આરોપીએ આકર્ષક વળતરની લાલચ આપીને વેપારીને શેરબજારમાં રોકાણ કરવા માટે લલચાવ્યો હતો. આરોપીઓએ વેપારી સમક્ષ તેમનાં નામ જાહેર કર્યાં નહોતાં અને તેની સાથે વાતચીત કરવા માટે મોબાઇલ ફોન, સોશિયલ મેસેજિંગ ઍપ્સ તથા વેબસાઇટ્સનો ઉપયોગ કર્યો હતો.

૨૫ ડિસેમ્બર, ૨૦૨૩થી ૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમિયાન આરોપીઓના કહેવાથી વેપારીએ વિવિધ બેન્ક એકાઉન્ટ્સમાં રૂ. ૮૯ લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે વેપારીએ મોબાઇલ એપ્લિકેશન દ્વારા વળતર સાથે તેણે રોકેલા રૂપિયા પાછા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે નિષ્ફળ ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

દરમિયાન પોતે કૌભાંડનો ભોગ બન્યો હોવાનું વેપારીના ધ્યાનમાં આવતાં તેણે નવી મુંબઈના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ પ્રકરણે ભારતીય દંડસંહિતા તથા આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button