અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૬૬,૪૬૦ દર્દીઓને ૧૪૬ કરોડની સહાય
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૬૬,૪૬૦ દર્દીઓને ૧૪૬ કરોડની સહાય ચૂકવાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં ૯૧ અને અરવલ્લી જિલ્લામાં ૫૯ હૉસ્પિટલો આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે એવું વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરીકાળ દરમિયાન જણાવ્યું હતું.
રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આકસ્મિક સંજોગોમાં ગંભીર બીમારીઓ સમયે સહાયરૂપ થવા ગુજરાતે ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટેનું શ્રેષ્ઠ મોડલ કાર્યરત કર્યું છે. ગરીબ-મધ્યમ પરિવારોને આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ થવા ગુજરાતે દેશને રાહ ચિંધ્યો છે. રાજ્યમાં માં અમૃતમ યોજના શરૂ કરી હતી જે સફળ થતાં સમગ્ર દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જય યોજના શરૂ કરી છે જેના લાભો દેશવાસીઓને મળતા થયા છે. આ યોજના હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની સહાય ગંભીર રોગોની સારવાર પૂરી પાડવામાં આવે છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં નાગરિકોને પીએમ જય યોજનાના લાભો સત્વરે મળતા થાય તે માટે ખાનગી હૉસ્પિટલોમાં કાર્ડના જે દર નિયત કરાયા છે તે મુજબ સારવાર આપવા માગતા હોય તો તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ ખાનગી હૉસ્પિટલોને આ યોજના હેઠળ લાભ આપવા માટે લાયક ગણીને જોડવામાં આવે છે. રાજ્યમાં સરકારી તબીબી કૉલેજો, ગ્રીનફિલ્ડ કૉલેજો, બ્રાઉન ફિલ્ડ કૉલેજોમાં પણ યોજનાના લાભો આપવામાં આવે છે.