નવી દિલ્હીઃ ખૂબ સન્માનીય ગણાતા એવા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, પણ બે ફેરફાર એવા છે, જે વિવાદોને નોતરી શકે છે કારણ કે જે બે કેટેગરીના એવોર્ડ્સમાંથી નામ કાઢવામાં આવ્યા છે તે બીજા કોઈ નહીં પણ દેશના પહેલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અને ખૂબ જ જાણીતી અભિનેત્રી નરગિસ દત્તનાં છે. એક અહેવાલ અનુસાર સર્વશ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ માટે ઈન્દિરા ગાંધી એવોર્ડ અને રાષ્ટ્રીય એકતા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે નરગીસ દત્ત એવોર્ડનું નામ બદલવામાં આવ્યું છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ દ્વારા વિવિધ કેટેગરીમાં આપવામાં આવતા સન્માનો માટે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2022ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારોમાં રોકડ પુરસ્કારોમાં વધારો અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સહિત અનેક પુરસ્કારોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર આ ફેરફારો કરવાનો નિર્ણય દરેકની સંમતિથી લેવામાં આવ્યો હતો.
ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન પણ પેનલના સભ્ય છે. પ્રિયદર્શને કહ્યું કે તેણે ડિસેમ્બરમાં તેની અંતિમ ભલામણો આપી હતી. તેમણે કહ્યું કે મેં ટેક્નિકલ વિભાગમાં કેટલીક ભલામણો કરી છે. 2022ના રાષ્ટ્રીય પુરસ્કારો માટેની એન્ટ્રી 30 જાન્યુઆરીએ બંધ થઈ ગઈ છે. કોરોનાની મહામારીને કારણે કારણે પુરસ્કારોમાં એક વર્ષનો વિલંબ થઈ રહ્યો છે અને 2021ના રાષ્ટ્રીય પુરસ્કારો 2023માં આપવામાં આવી રહ્યા છે.
સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારો અને નિયમોમાં ફેરફારની વાત કરીએ તો એક દિગ્દર્શકની શ્રેષ્ઠ પ્રથમ ફિલ્મ માટે ઈન્દિરા ગાંધી એવોર્ડનું નામ બદલીને નિર્દેશકની શ્રેષ્ઠ પ્રથમ ફિલ્મ રાખવામાં આવ્યું છે. ઈનામની રકમ પહેલા નિર્માતા અને દિગ્દર્શક વચ્ચે વહેંચવામાં આવતી હતી, પરંતુ હવે તે માત્ર નિર્દેશકને જ મળશે. એ જ રીતે, રાષ્ટ્રીય એકતા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મ’માટેનો નરગીસ દત્ત એવોર્ડ હવે રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે ઓળખાશે. આ કેટેગરી સામાજિક મુદ્દાઓ અને પર્યાવરણીય સંરક્ષણ માટેના એવોર્ડ વિભાગોને મર્જ કરવામાં અવ્યા છે, તેવી માહિતી અહેવાલો દ્વારા મળી છે.
Taboola Feed