સ્પોર્ટસ

બ્રાઝિલનો ફુટબોલર કહે છે, ‘એક પરાજયે અમને શરમજનક હાલતમાં મૂકી દીધા’

સાઓ પાઉલો: ફુટબૉલની વાત નીકળે એટલે આર્જેન્ટિનાની સાથે બ્રાઝિલનું નામ અચૂક લેવામાં આવે. આર્જેન્ટિનાએ ડિયેગો મૅરડોના અને લિયોનેલ મેસી જેવા લેજન્ડરી ખેલાડીઓ ફુટબૉલ જગતને આપ્યા છે, જ્યારે બ્રાઝિલ ફિફા વર્લ્ડ કપમાં હાઈએસ્ટ પાંચ ગોલ્ડ મેડલ અને ઑલિમ્પિક્સમાં સૌથી વધુ નવ ચંદ્રક જીત્યું છે. જોકે અત્યારે હાલત એવી જટિલ છે કે દક્ષિણ અમેરિકા બે મોટા ફુટબૉલ રાષ્ટ્રોમાં ગણાતા આર્જેન્ટિનાને કારણે બ્રાઝિલને આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સમાં સ્થાન નથી મળ્યું.

રવિવારે આર્જેન્ટિનાએ બ્રાઝિલને 1-0થી હરાવી દેતાં બ્રાઝિલે પૅરિસ ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવાની છેલ્લી તક ગુમાવી દીધી હતી.

2016માં અને પછી 2020માં (છેલ્લી બે ઑલિમ્પિક્સમાં) ગોલ્ડ મેડલ જીતનાર બ્રાઝિલે સુવર્ણચંદ્રકની હૅટ-ટ્રિક માટેની તક ગુમાવી દીધી છે. 2016ની રિયો ઑલિમ્પિક્સમાં બ્રાઝિલે ફાઇનલમાં જર્મનીને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી હરાવ્યું અને 2020ની ટોક્યો ઑલિમ્પિક્સમાં સ્પેનને 2-1થી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. જોકે 2024ની ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય ન થતાં એના ખેલાડીઓ બેહદ હતાશ છે. જૉન કેનેડી નામના બ્રાઝિલના ખેલાડીએ પત્રકારોને સોમવારે કહ્યું, ‘અમે બધા હતાશ તો છીએ જ, ખૂબ શરમજનક હાલતમાં પણ મુકાઈ ગયા છીએ. એવું લાગે છે કે અમારે આર્જેન્ટિના સામે જીતવા માટે વધુ દૃઢ સંકલ્પ સાથે રમવું જોઈતું હતું.’

1992 અને 2004માં પણ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય ન થનાર બ્રાઝિલ 2026ના ફિફા વર્લ્ડ કપ માટેના દક્ષિણ અમેરિકાના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં છઠ્ઠા નંબરે છે. એનો મુખ્ય ખેલાડી નેમાર ઑક્ટોબર મહિનાથી ઘૂંટણની ઈજાને કારણે નૅશનલ ટીમની બહાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button