નેશનલ

શું તલાક બાદ મુસ્લિમ મહિલા પતિ પાસેથી ભથ્થુ મેળવી શકે? Supreme court કરશે વિચાર

નવી દિલ્હીઃ એક મુસ્લિમ પતિએ તલાક લીધા બાદ પત્નીને ભરણપોષણ આપવા માટે કોર્ટે કરેલા નિર્દેશને પડકારવા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આથી CrPCની કલમ 125 હેઠળ તલાક બાદ પણ મુસ્લિમ મહિલા ભરણપોષણ મેળવી શકે કેમ તે અંગે કોર્ટે અમિકસ ક્યુરી એટલે કે કોર્ટમિત્ર નિયુક્ત કર્યો છે.

9 ફેબ્રુઆરીના રોજ પ્રથમ સુનાવણી દરમિયાન કોર્ટ આ વિષય પર વિચાર કરવા સહમત થઈ હતી કે શું મુસ્લિમ મહિલા સીઆરપીસીની કલમ 125 હેઠળ અરજી જાળવી રાખવા માટે હકદાર છે. ફેમિલી કોર્ટના આદેશને પડકારતા કેસની સુનાવણી જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે કરી હતી. આમાં એક મુસ્લિમ મહિલાએ CrPCની કલમ 125 હેઠળ અરજી દાખલ કરીને તેના પતિ પાસેથી ભરણપોષણ માંગ કરી હતી.

ફેમિલી કોર્ટે પતિને દર મહિને રૂ. 20,000નું વચગાળાનું ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ફેમિલી કોર્ટના આ આદેશને તેલંગાણા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો મુજબ બન્નેએ 2017માં છૂટાછેડા લઈ લીધા હતા. તેમની પાસે છૂટાછેડાનું પ્રમાણપત્ર પણ છે, પરંતુ ફેમિલી કોર્ટે તેને ધ્યાનમાં લીધું ન હતું. જો કે વચગાળાના ભરણપોષણનો આદેશ હાઇકોર્ટે રદ કર્યો ન હતો. કોર્ટે અમુક મુદ્દાઓ અને કાયદાના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને અરજીની તારીખથી ચૂકવવાની રકમ રૂ. 20,000 થી ઘટાડીને રૂ. 10,000 પ્રતિ માસ કરી હતી.

અરજદાર મહિલાને 24 જાન્યુઆરી, 2024 સુધીમાં બાકીની રકમના 50 ટકા અને બાકીની રકમ 13 માર્ચ, 2024 સુધીમાં ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તદુપરાંત, ફેમિલી કોર્ટને મુખ્ય કેસનો 6 મહિનામાં નિકાલ કરવાનો પ્રયાસ કરવા જણાવાયું હતું. અરજદાર પતિએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા સીઆરપીસીની કલમ 125 હેઠળ અરજી દાખલ કરવા માટે હકદાર નથી. તેણે મુસ્લિમ મહિલા (છૂટાછેડા પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 1986ની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવાનો હોય.

અરજદારની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ ગૌરવ અગ્રવાલને કોર્ટની મદદ માટે એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા છે. હવે આ મામલે આગામી સપ્તાહે 19 ફેબ્રુઆરી 2024ના રોજ સુનાવણી થશે. આ મુદ્દો 1985માં સુપ્રીમ કોર્ટમાં શાહ બાનો બેગમ કેસ સાથે સંબંધિત છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે મોહમ્મદ અહેમદ ખાન વર્સીસ શાહ બાનો બેગમ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે તે સમયે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે CrPCની કલમ 125 એક ધર્મનિરપેક્ષ જોગવાઈ છે, તે મુસ્લિમ મહિલાઓને પણ લાગુ પડે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button