RJD નેતા તેજસ્વી યાદવને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે માનહાનિનો કેસ રદ કર્યો
નવી દિલ્હી: RJD નેતા તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. તેમની સામે દાખલ થયેલા માનહાનિના દાવાને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. અરજીની સુનાવણીમાં તેજસ્વી યાદવે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે તેમને ગુજરાતીઓ ઠગ છે તેવું નિવેદન આપવા બદલ પસ્તાવો છે અને નિવેદન પરત લઇ રહ્યા છે. આથી સુપ્રીમ કોર્ટે તેનો સ્વીકાર કરીને કેસ રદ કરી નાખ્યો હતો.
ન્યાયમૂર્તિ એએસ ઓકા અને ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભુઇયાની પીઠે આ અરજી પર સુનાવણી કરી હતી. તેમણે આદેશમાં કહ્યું હતું કે તેઓ ફરિયાદની અરજી ફગાવી રહ્યા છે.
આ પહેલા ગત 19 જાન્યુઆરીએ પણ તેજસ્વીએ સોગંદનામું દાખલ કર્યું હતું પરંતુ સુપ્રીમ કોર્ટે તેને યોગ્ય ઠેરવ્યું નહોતું. આથી 29 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે તેજસ્વીને ફરીવાર પોતાનો જવાબ દાખલ કરવાનો તેમજ વિવાદાસ્પદ નિવેદન બદલ યોગ્ય રીતે સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. એ પછી તેજસ્વી યાદવે આજે સોગંદનામું દાખલ કરીને નિવેદન પરત ખેંચવાનું તેમજ વાંધાજનક શબ્દો વાપરવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.
RJD નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે 22 માર્ચ 2023ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, “જે ઠગ છેને તેને બધી છૂટ છે, જો આપણે આજની પરિસ્થિતિ પર નજર કરીએ તો દેશમાં માત્ર ગુજરાતી જ ઠગાઇ કરી શકે છે અને તેની ઠગાઇને માફ પણ કરી દેવામાં આવશે. LICના પૈસા, બેંકના પૈસા એ લોકો લઇને ભાગી જશે.” આ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો અને અમદાવાદના હરેશ મહેતા નામના વ્યક્તિએ સ્થાનિક કોર્ટમાં તેજસ્વી સામે માનહાનિનો દાવો કરતી અરજી દાખલ કરી હતી.