ખેડૂતો ફરીવાર રાજધાની દિલ્હીમાં સંગઠિત થઇ રહ્યા છે. પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યના ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. બિલકુલ 2020-21ના આંદોલનની પેટર્ન મુજબ જ ‘ચલો દિલ્હી કૂચ’ નામ આપીને ખેડૂત આંદોલન-2.0ની શરૂઆત કરી દેવામાં આવી છે, એવામાં સવાલ એ થઇ રહ્યો છે કે આખરે શા માટે ખેડૂતો ફરી રસ્તા પર ઉતર્યા છે, કૃષિ કાયદાઓ રદ થઇ જવા છતાં પણ એવી કઇ બીજી માગણીઓ છે જેને પૂરી કરાવવા માટે તેમને ફરીવાર સરકાર સામે મોરચો માંડવો પડ્યો?
આ વખતે ખેડૂતોના 2 મોટા સંગઠનો સંયુક્ત કિસાન મોરચા(બિન રાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ સરકાર સામે બાંયો ચડાવી છે. આજથી 2 વર્ષ પહેલા દિલ્હી બોર્ડર પર દેશભરના ખેડૂતોએ એટલા માટે આંદોલન કર્યું હતું કેમકે તેમને એવો ડર હતો કે જો કૃષિ કાયદા લાગુ થશે તો અમુક પસંદગીના પાક પર લઘુત્તમ ટેકાના ભાવ આપવાનો નિયમ ખતમ થઇ જશે. એક પ્રકારે ખેડૂતોની સ્વતંત્રતા છીનવાઇ રહી હતી અને એગ્રો કંપનીઓના શોષણનો શિકાર થશે તેવી તેમનામાં ચિંતા છવાઇ હતી. જો કે સરકારે કાયદા પાછા ખેંચ્યા અને એ વખતે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ સહિતની અન્ય માગણીઓ સંતોષવાનું વચન આપ્યું હતું. હવે ખેડૂતો એ વચનોનું પાલન થાય એ માટે સરકાર પર દબાણ લાવી રહ્યા છે.
ખેડૂતો કહી રહ્યા છે કે જો નવી સરકાર આવશે તો કહેશે કે આવો કોઇ વાયદો અમે નથી કર્યો એટલે ચૂંટણી પહેલા સરકારે વચનો પૂરા કરી દેવા જોઇએ.
ખેડૂતો મુખ્યત્વે આ માગણીઓ કરી રહ્યા છે:
- MSP લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપતો કાયદો
- ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફીની યોજના
- જમીન સંપાદન અધિનિયમ-2013નો ફરી અમલ
- લખીમપુર ખેરી હત્યાકાંડના ગુનેગારોને સજા
- ખેડૂતો અને ખેત મજૂરોને પેન્શન
- ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામનારા ખેડૂતોને સહાય અને પરિવારના સભ્યોને નોકરી
- વીજસુધારા બિલ-2020 રદ કરવું, મનરેગા હેઠળ ખેડૂતોને વળતર આપવું
- નકલી બિયારણ, જંતુનાશકો-ખાતર બનાવતી કંપનીઓ સામે પગલા
- મરચા-હળદર સહિત મસાલાઓ માટે રાષ્ટ્રીય આયોગની રચના
- પાણી, જંગલોની જમીન પર આદિવાસીઓના અધિકારોની સુરક્ષા
આવી અનેક માગણીઓ પૂરી થાય એ માટે ખેડૂતોએ સરકાર સામે જંગનું એલાન કરી દીધું છે. પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાનના ખેડૂતો ટ્રેક્ટરો-ટ્રોલીઓ લઇને દિલ્હી પહોંચી રહ્યા છે. ખેડૂતો ચક્કાજામ કરે તેવી સ્થિતિને પગલે મોટાભાગના હાઇવે બંધ રાખવાની સૂચના છે. ગાઝીપુર સરહદને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. દિલ્હી, હરિયાણાને જોડતી સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુપીથી આંદોલન કરનારા ખેડૂતોને દિલ્હી જવા પ્રવેશ ન મળે એ માટે ગાઝીપુર જતા રસ્તા પર કોંક્રિટ નાખીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસના 3 હજારથી વધુ જવાનો બોર્ડર પર તૈનાત છે. નોઇડા બોર્ડર પર પણ બેરિકેડ મુકીને હજારો પોલીસકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ અને યુપી પોલિસ સંયુક્ત રીતે કામ કરી રહી છે. નોઈડા અને ગાઝિયાબાદથી દિલ્હી તરફ જતા દરેક રસ્તા પર કડક સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. ચિલ્લા બોર્ડર અને ગાઝિયાબાદ બોર્ડર પર કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. હરિયાણાના 15 જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. BSF અને RAFની 50 કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે. પંજાબ બોર્ડર પર પણ 3 સ્તરોમાં પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. વાહનોને સઘન ચેકિંગ બાદ જ રાજ્યમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
દિલ્હી અને ઉત્તરપ્રદેશ વચ્ચેની તમામ સરહદો પર ટ્રેક્ટર-ટ્રોલી, બસ, ટ્રકો લઇ જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આંદોલનકારીઓને રોકવા માટે પોલીસને કડક આદેશ અપાયા છે. બોર્ડર પર વોટર કેનન, પોલીસના શસ્ત્રો-વાહનો પણ તૈનાત કરાયા છે. હરિયાણા સરકારે 11થી 13 ફેબ્રુઆરી સુધી અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા સહિત સાત જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
Due to the anticipated farmers' protest at different Delhi borders starting today, there will be traffic diversions in effect. For commercial vehicles, traffic restrictions and diversions will be implemented from 12th Feb. To ensure timely arrival, we strongly encourage… pic.twitter.com/15IBk8yJ6p
— ANI (@ANI) February 13, 2024