PM Modi UAE Visit: પીએમ મોદી આજથી 2 દિવસીય સંયુક્ત આરબ અમીરાત-UAEના પ્રવાસે છે. તેમના સન્માનમાં અબુધાબીમાં UAEમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમ આયોજીત થવા જઇ રહ્યો છે. અબુધાબીમાં પહેલા હિંદુ મંદિરના ઉદ્ઘાટન સિવાય UAE અને ભારત બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે અનેક મહત્વની બેઠકો યોજાશે જેમાં પીએમ મોદી ભાગ લેશે. ડિજીટલ ક્ષેત્ર, ઉર્જા ક્ષેત્ર, જેવા અનેક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે મહત્વના કરારો થાય તેવી સંભાવના છે.
અમુક મીડિયા અહેવાલો મુજબ અબુધાબીમાં હવામાન ખરાબ છે પરંતુ ‘અહલાન મોદી’ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અબુધાબીમાં રહેતા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાશે. 2500થી વધુ લોકોએ ભારે વરસાદ હોવા છતાં કાર્યક્રમ માટેનું ગ્રાઉન્ડ રિહર્સલ કર્યું હતું. કાર્યક્રમના એક આયોજક નિશિ સિંહે જણાવ્યું હતું કે “ખરાબ હવામાન હોવા છતાં પણ લોકો પીએમ મોદીને આવકારવા ભારે ઉત્સાહિત છે. હવામાનના પડકારો આ કાર્યક્રમમાં બાધારૂપ નહી બને તેવું અમને લાગી રહ્યું છે, આખું UAE પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરશે.” તેવું નિશિ સિંહે ઉમેર્યું હતું.
અબુધાબીના સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે 65000 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. કુલ 150 જેટલા ભારતીય સમુદાયો સક્રિયપણે આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. UAEના ખૂણેખૂણેથી લોકો પીએમ મોદીના સ્વાગત માટે ઉપસ્થિત રહેશે જે વિદેશી ધરતી પર ભારતીયોની એકતાનું અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કરે છે.
આ ઉપરાંત કાર્યક્રમમાં નારી-શક્તિનો પણ પરિચય જોવા મળશે. મહિલાઓએ મોટી સંખ્યામાં કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મહિલા સશક્તિકરણ, સાંપ્રદાયિક સદ્ભાવ જેવી ભાવનાઓના વિષય પર કાર્યક્રમમાં અલગ અલગ રજૂઆતો થશે.
પીએમ મોદીની 2 દિવસીય યાત્રા ઘણી વિશિષ્ટ છે. 2015 બાદ આ UAEની સાતમી અને છેલ્લા આઠ મહિનાઓમાં ત્રીજી વિદેશયાત્રા છે. આ મુલાકાતમાં પીએમ મોદી UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.
સંયુક્ત આરબ અમિરાતમાં લગભગ 3.5 મિલિયન ભારતીય સમુદાયના લગભગ લોકો વસે છે. UAEમાં સમગ્ર દેશની કુલ વસ્તીના લગભગ 35 ટકા લોકો ભારતીયો છે. પીએમ મોદીના આગમન બાદ અબુધાબીના સ્ટેડિયમમાં 700 થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પર્ફોર્મન્સ આપશે. UAE અને ભારત બંને દેશોની સંસ્કૃતિની ઝલક આ કાર્યક્રમમાં જોવા મળશે.
Taboola Feed