પ્રેમને હૃદય સાથે નહીં, પણ મગજ સાથે સીધો સંબંધ
તંદુરસ્તી-મનદુરસ્તી – મુકેશ પંડ્યા
આપણે સાધારણ રીતે પ્રેમને હૃદય સાથે જોડીએ છીએ. પ્રેમ બાણ વાગ્યા હોય ત્યારે હૃદયમાં તીર ખૂંપી ગયુ હોય તેવા ચિત્રો દોરીએ, પ્રેમની વાતો પ્રદર્શિત કરવા પાન આકારના લાલ રંગના દિલ ચીતરીએ છીએ. પ્રેમભંગ થાય તો દિલના ટુકડા થતા બતાવીએ છીએ, પરંતુ આજનું સંશોધન કહે છે કે પ્રેમને મગજ સાથે સીધો સંબંધ છે.
અમેરિકન વૈજ્ઞાનિક ડૉ. હેલન ફીશર અને તેમની ટીમે એક સંશોધન દ્વારા જણાવે છે કે પ્રેમને ત્રણ ભાગમાં વહેંચી શકાય. ઇચ્છા, આકર્ષણ અને લાગણી. આ બઘા ભાગ સાથે મગજમાં રહેલા અમુક અંત:સ્રાવો જોડાયેલા હોય છે. આમ તો આ બધા ભાગો એકમેક સાથે સંકળાયેલા હોય છે, પણ જે તે ભાગ સાથે અમુક ખાસ અંત:સ્રાવો સંકળાયેલા હોય છે. જેમ કે ટેસ્ટોટરોન અને એસ્ટ્રોજન આપણી ઇચ્છા સાથે સંકળાયેલા છે તો ડોપામાઇન, નોર્પાઇનફેરિન અને સિરોટોનિન આકર્ષણ ઉત્પન્ન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વળી ઑક્સિટોસિન અને વેસોપ્રેસિન લાગણી સાથે સંકળાયેલા છે.
મગજની અંદર આવેલું હાઇપોથેલામસ ટેસ્ટોટરોન અને એસ્ટ્રોજનને ઉત્તેજિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ અંત:સ્રાવો જે નર અને માદા બેઉમાં હોય છે એ જ વ્યક્તિની કામેચ્છા વધારવામાં મોટો ફાળો આપે છે. કેટલીક મહિલાઓ માસિક સમયે તીવ્ર કામેચ્છા ધરાવે છે કારણ કે તે વખતે મગજમાં એસ્ટ્રોજન વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતું હોય છે. આ સમચે તેનું સ્તર સૌથી ઊંચુ હોય છે.
ત્યાર બાદ આવે આકર્ષણનો વારો. આ આકર્ષણ આમ તો અલગ લાગે પણ એ કામેચ્છા સાથે સંકળાયેલું તો ખરું જ. કોઇની સાથે કામેચ્છા તૃપ્ત કરવાની ભાવના થાાય ત્યારે તેના પ્રત્યે આકર્ષણ ઊભું થાય એ સ્વાભાવિક છે. કોઇની પ્રત્યે આકર્ષણ ઊભું થાય અને તેની સાથે સારો સમય ગાળવાની ઇચ્છા થાય ત્યારે મગજમાં ડોપામાઇન અને નોર્પાઇનફેરિન નામના અંત:ર્સાવો વછૂટવા માંડે છે. આ રસાયણો વધુ પ્રમાણમાં છૂટે તો આપણી ભૂખ અને ઊંઘ પણ ઓછી કરી નાખે છે. એટલે જ તમે જોયું હશે કે કોઇને વિજાતિય આકર્ષણ ઊભું થાય ત્યારે તેની ભૂખ અને નિંદર હરામ થઇ જાય છે.
આકર્ષણ પછી લાગણી નામની ભાવના ઉત્પન્ન થાય છે જે લાંબા સમયના સંબંધનું સૂચક છે. કામેચ્છા અને આકર્ષણ એ રોમેન્ટિક સંબંધો સૂચવે છે જ્યારે લાગણી પતિ-પત્ની, માબાપ સંતાન, ભાઇ-બહેનના સંબંધો, મિત્રો વચ્ચેનો પ્રેમ સૂચવે છે. આ પ્રકારની લાગણીમાં મગજમાંથી ઓક્સિટોસિન વિપુલ પ્રમાણમાં વછૂટતું હોય છે જે વિવિધ સંબંધોના બૉન્ડિન્ગ ઊભા કરવામાં મહત્ત્વનો ભાગ ઊજવે છે. આ પ્રકારના અંત:સ્રાવો આપણને ફીલ ગુડ (સારું લાગવું) ફેક્ટરની અનુભૂતિ કરાવે છે. અત્યાર સુધી તો આ અંત:સ્રાવો વિશે આપણા મનમાં ગુલાબી ચિત્ર ઊભું થયું, પણ આ જ અંત:સ્રાવો પ્રેમની કાળી બાજુ પણ રજૂ કરી શકે છે. પ્રેમમાં અદેખાઇ,ગુસ્સો કે ધિક્કારની લાગણી આવે ત્યારે પણ મગજમાં આ જ હોર્મોન્સમાં વધઘટ થાય છે.
ટૂંકમાં કહી શકાય કે પ્રેમમાં માત્ર હૃદય નહીં મગજના કેમિકલ લોચા પણ અગત્યનો ભાગ ભજવે છે.