પ્રેમ એક ઉત્તમ દવા
આવતી કાલે વેલન્ટાઈન ડે છે ત્યારે પૂરા વિશ્વમાં પ્રેમ વિશે ચર્ચા થઈ રહી છે પણ શું તમને ખબર છે વિશુદ્ધ પ્રેમ આપણા તન-મન માટે એક ઉત્તમ ઔષધિ બની રહે છે
કવર સ્ટોરી – મયુર જોષી
સંશોધનમાં એ વારંવાર સાબિત થયું છે કે આપણી સુખાકારી અને સારા આરોગ્ય માટે સામાજિક નાતો હોવો જરૂરી છે. જે વ્યક્તિને જીવનમાં પ્રેમ હોય છે -પછી એ પ્રણયનો હોય કે કુુટુંબીજન કે મિત્રનો હોય તે બીજા કરતાં વધુ સુખી અને તંદુરસ્ત અને કદાચ લાંબી આવરદાવાળો હોય છે.
શા માટે? તમારા જીવનમાં ટેકો આપનાર લોકો હશે તો તમે આરોગ્યના પડકારો સહિતના સંકટનો સારી રીતે સામનો કરી શકો છેા અને આનો અર્થ એમ પણ થાય છે કે તમે બીમાર પડશો એવી સંભાવના ઘટી જાય છે. જો તમને કોઈ માંદગી આવે તો પણ તમારા પ્રિયજન કે ટેકો આપનાર હોય તો તમે બીમારીનો સામનો સારી રીતે કરી શકો છો અને તમે જલ્દી સાજા થાઓ છો.
સમીટ હેલ્થના પ્રાઈમરી કેર ફિઝિશિયન ઈસ્ટેલા વેજબર્ગ કહે છે કે પ્રેમ અને આરોગ્ય વચ્ચે સકારાત્મક નાતો છે. તેઓ કહે છે કે જો તમારા જીવનમાં પ્રેમ હોય છે તો તમે સુખી હોવાનું પ્રતીત કરો છો અને તમને હતાશા કે તાણ આવતા નથી. આનું કારણ એ છે કે પ્રેમને લીધે તમારા મગજમાં વિવિધ હોર્મોન્સ, ન્યુટ્રોટ્રાન્સમીટર કે મેસેન્જર સક્રિય થઈ જાય છે જે હેપ્પી હોર્મોન એટલે કે ડોપામાઈન છોડે છે. આનાથી તમારો મૂડ સારો થાય છે અને તમને સારા હોવાની પ્રતીતિ થાય છે.
જે લોકો કોઈ જાતના ખાતરીવાળા પ્રણયમાં હોય તો તેમને નીચા બ્લડ પ્રેસર અને હાર્ટ રેટ હોય છે. અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયોલોજીના એક અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે જે લોકો પરિણીત હોય છે તેમને એકલા, છુટાછેડા લેનાર કે વિધુર કરતાં હૃદયના હુમલા આવવાની ઓછી સંભાવના
હોય છે.
સકારાત્મક ફેરફાર
ઈસ્ટેલા કહે છે કે તમારી સારસંભાળ લેનાર કોઈ હોય અથવા તમને પ્રોત્સાહન દેનાર કોઈ હોય તો તમે તમારા આરોગ્યની દરકાર સારી રીતે લઈ શકો છો. આ લોકોને તંદુરસ્તી અંગેના યોગ્ય નિર્ણયો લવાનું ઈજન મળે છે. આ લોકો જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર લાવે છે. તબીબી સલાહનું અનુસરણ કરે છે અને અગમચેતી આપતા પરીક્ષણો કરાવે છે.
પ્રેમ તાણ દૂર કરે છે
એમઆરઆઈ સ્કેનના ઉપયોગથી મગજની પ્રવૃત્તિના અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે જે લોકોને કમિટેડ રીલેશનશિપ હોય છે એ લોકોને તાણ-તનાવ ઓછો હોય છે. સ્કેનમાં માલૂમ પડ્યું છે કે આવી વ્યક્તિને ઈનામ અને આનંદના ક્ષેત્રમાં પ્રવૃત્તિ હોય છે. આનાથી ઊલટું જે વ્યક્તિ કોઈ જાતની રીલેશનશિપમાં ન હોય તો તેમનામાં તાણનું હોર્મોન કોર્ટીસોલ વધારે હોય છે.
નશો ઘટે છે
હેપ્પી હોર્મોનને યાદ કરો. રોમાન્સ કરવાથી શરીર ડોપામાઈનને રીલીઝ કરે છે. જે લોકોમાં ડોપામાઈન વધારે હોય તેઓકેફીદ્રવ્યોનો નશો ઓછો કરે છે અને ખિન્ન થતાં નથી. લગ્ન કરવાથી દારૂ અને માદકદ્રવ્યોનું સેવન ઘટી જાય છે.
દર્દ ઘટાડે છે
પ્રેમમાં લોકો ડૂબી જાય છે. લાગણીશીલ થવાથી પીડામાં રાહત મળે છે. જ્યારે મગજ ડોપામાઈન છોડે છે ત્યારે પીડા વિશેની તમારી ધારણા બદલાઈ જાય છે.
પ્રતિકાર શક્તિ વધારે છે
તમને કોઈનો સુનિશ્ચિત સથવારો હોય તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ચેપ થવાની સંભાવના ઘટી જાય છે. જેમને પ્રેમાળ સપોર્ટ સિસ્ટમ હોય તે વહેલો સાજો થાય છે.
દીર્ઘાયુ જીવન
અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે નિકટનો સંબંધ તમને સુખી અને તંદુરસ્ત રાખે છે. જો તમને મિત્રો, કુુટુંબ કે સમાજનો ટેકો હોય તો તમે ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર આવી જાઓ છ ો અને શારીરિક-માનસિક પડતી ઓછી થાય છે. સુખી દામ્પત્ય કે સંબંધને લીધે આવરદા વધે છે.