વૈષ્ણોદેવીના દર્શન માટે હેલિકૉપ્ટરનું ઑનલાઈન બુકિંગ કરવા જતાં છેતરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જમ્મુમાં વૈષ્ણોદેવીના દર્શન માટે હેલિકૉપ્ટરનું ઑનલાઈન બુકિંગ કરવા જતાં બોરીવલીનો રહેવાસી છેતરાયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોતાના અને મિત્રોના પરિવાર માટે કટરાથી મંદિર નજીકના હેલિપૅડ સુધીની સુવિધા અંગે ઑનલાઈન સર્ચ કરનારા ફરિયાદી પાસેથી સાયબર ઠગે રૂપિયા પડાવ્યા હતા. બોરીવલી પશ્ચિમમાં રહેતા અમરીષ નાઈકે નોંધાવેલી ફરિયાદને આધારે બોરીવલી પોલીસે રવિવારે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર નાઈક તેના અને મિત્રોના પરિવાર સાથે જમ્મુ-કાશ્મીર ફરવા જવાનો હતો. ગ્રૂપના અમુક લોકો માટે તેણે કટરાથી વૈષ્ણોદેવી મંદિર સુધીની હેલિકૉપ્ટર સેવાનો લાભ લેવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે ઑનલાઈન સર્ચ કરતાં એક વેબસાઈટ નજરે પડી હતી. વેબસાઈટ પર હેલિકૉપ્ટરથી જવા માટેના વિવિધ વિકલ્પો અને તેના સંબંધિત ચાર્જીસની માહિતી મળી હતી. ફરિયાદીએ માહિતી વધુ વિગતો માટે ક્લિક કરતાં તેને વ્હૉટ્સઍપ કૉલ આવ્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ વ્યક્તિદીઠ 2,100 રૂપિયા અને રિટર્નના 4,200 રૂપિયા ભરવા પડશે, એમ કહ્યું હતું.
ફોન કરનારી વ્યક્તિએ આપેલું એકાઉન્ટ નંબર વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના નામે હોવાથી ફરિયાદીએ અમુક વ્યક્તિ માટે હેલિકૉપ્ટર બુક કરાવીને 51,765 રૂપિયા ઑનલાઈન ચૂકવ્યા હતા. જોકે રૂપિયા ચૂકવ્યા છતાં ફરિયાદીને ટિકિંગ બુકિંગ સંબંધિત મેસેજ આવ્યો નહોતો. આ બાબતે ફરિયાદીએ ફોન કરનારી વ્યક્તિને પૂછતાં તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા અને ટ્રાન્સફર કરેલા રૂપિયા પાછા આપવાનો ઇનકાર કર્યો હતો. ઉ