વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ૩૨૩નો ઘટાડો, ચાંદીમાં ₹ ૫૦૨નો ચમકારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં નવાં લ્યૂનાર વર્ષની ઉજવણીની રજાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર તેમ જ વાયદામાં સોનામાં નિરસ માગે ભાવમાં ૦૨ ટકા ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ભાવ ૧.૪ ટકા ઉછળી આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો પણ ઘટવાથી સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨૧થી ૩૨૩નો ઘટાડો આવ્યો હતો, જ્યારે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૫૦૨વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૦૨ વધીને રૂ. ૭૧,૧૪૦ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં વૈશ્ર્વિક બજારમાં ભાવ ઘટી હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ આજે રૂપિયો મજબૂત થવાથી સોનાની આયાત પડતરો ઘટવાથી ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨૧ ઘટીને રૂ. ૬૨,૦૫૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૨૩ ઘટીને રૂ. ૬૨,૩૦૧ના મથાળે રહ્યા હતા. જોકે, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આવતીકાલે અમેરિકાનાં જાન્યુઆરી મહિનાના ફુગાવાની ડેટાની જાહેરાત થવાની હોવાથી તેમ જ સપ્તાહ દરમિયાન ફેડરલ રિઝર્વનાં લગભગ સાત અધિકારીઓ તેઓનું મંતવ્ય આપવાના હોવાથી આજે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૨ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૨૦૨૧.૧૩ ડૉલર અને ૨૦૩.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૧.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૯૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સોનામાં મક્કમથી સુધારાતરફી વલણ જળવાઈ રહેવાના આશાવાદે રોકાણકારોએ વાયદામાં ગત ૬ ફેબ્રુઆરીના અંતે પૂરા થયેલા સપ્તાહે તેની લેણની પોઝિશનમાં ૧૦,૬૧૬ કોન્ટ્રાક્ટનો વધારો કર્યો હોવાનું આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે. જોકે હાલમાં ચીન, હૉંગકૉંગ, જાપાન, દક્ષિણ કોપિરયા, સિંગાપોર, તાઈવાન, વિયેટનામ અને મલયેશિયા ખાતે રજાનો માહોલ હોવાથી સોનામાં કામકાજો પાંખાં રહેવાની ધારણા સૂત્રો મૂકી રહ્યા છે.