લીલાછમ મોતી જેવા દેખાતા સ્વાદસભરવટાણાની મજા ઠંડીમાં જરા હટકે છે!
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
વટાણાના સ્વાસ્થ્યવર્ધક ગુણ
વજન ઘટાડવામાં વટાણા ગુણકારી છે. વટાણામાં ફાઈબર
તથા પ્રોટીનનું પ્રમાણ સારું હોવાને કારણે તેના સેવન બાદ લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે. તેનું મુખ્ય કારણ પ્રોટીન
તથા ફાઈબરને પચવામાં વધુ સમય લાગતો હોય છે. તેથી
વારંવાર કાંઈક ખાતા રહેવાની ઈચ્છા ઓછી થવા લાગે છે જે લાંબે ગાળે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વળી સાત્ત્વિક ભોજન પ્રત્યે મન વધુ આકર્ષાય છે. જંકફૂડ ખાવાની આદત ઘટતી જાય છે.
ઠંડી શરૂ થાય તેની સાથે શાકમાર્કેટમાં વટાણાના ઢગલા જોવા મળે. ગૃહિણી તો તેનો ઉપયોગ પ્રત્યેક શાક, પાંઉભાજી તેમજ બિરયાનીમાં હોશે હોશે કરે છે તો ક્યાંક સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક વટાણાનો સૂપ
બનાવીને ગરમાગરમ સ્વાદ માણીને સંતોષ પામે.
સ્વાદ-રસિયાઓ ઠંડીમાં વટાણાની કચોરી, વટાણાના ઘૂઘરા કે સમોસામાં તાજા વટાણાનો ઉપયોગ કરીને ગરમાગરમ ખાય. નિયમિત બનતા ભાતમાં વટાણા ખાસ ભેળવવામાં આવતાં હોય છે. આપને વટાણા કઈ રીતે ખાવા ગમે ?
તાજા કૂણાં મીઠાં વટાણા ફોલતાં જઈને એક-બે મોંમાં ધીમેથી સરકાવી દેવાની મજા માણવા જેવી છે. અનેક ગૃહિણી વટાણાને એક ચમચી માખણમાં સાંતળીને સંચળ-મરી પાઉડર છાંટીને પીરસતી હોય છે. તે પણ અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.
વળી વટાણા પ્રત્યેનો પ્રેમ એટલો બધો જોવા મળે છે કે સિઝનમાં તાજા મળતાં વટાણાને વર્ષભર ફ્રિઝમાં કેમ સાચવી રાખવા એની યુટ્યૂબ પર વીડિયો જોતી રહે છે.
લીલાછમ વટાણા દેખાવમાં જેટલાં આકર્ષક લાગે છે તેટલાં જ આરોગ્યવર્ધક ગણાય છે. તેમાં પ્રચૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન, વિટામિન, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે પોષક તત્ત્વો હોય છે. લીલાં વટાણાં સ્વાદની સાથે સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવામાં ઉપયોગી છે.
વટાણાનું વાનસ્પતિક નામ ‘પાઈસમ સેટાઈમ’ છે. વટાણાને વિવિધ ભાષામાં અલગ રીતે ઓળખવામાં આવે છે, જેમકે ગુજરાતીમાં પટાણા કે વટાણા, તમિળમાં પટાણી, તેલુગુમાં ગુંડુસાંઘેલુ, પટાનીલુ, પંજાબીમાં બડામટ્ટર, મલયાલીમાં પઠાની કટ્ટલા પટાની પાયર, મરાઠીમાં વાટાણે, અરેબિકમાં ખલજ, હુબ્બુલ કે હુમુસ પર્શિયનમાં જલબાન કંસગ…
વટાણાની ખેતી ભારતના બધા જ રાજ્યમાં થાય છે. એમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંકે આવે છે. ઉત્તર પ્રદેશનું પાણી વટાણાની ખેતી માટે અનુકૂળ ગણાય છે. કુલ ઉત્પાદનના ૪૮.૩૩ ટકા ઉત્પાદન એકલું ઉત્તર પ્રદેશમાં થાય છે. બીજા ક્રમાંકે મધ્ય પ્રદેશ (૧૫.૬૭ ટકા) ત્રીજો ક્રમાંક પંજાબનો છે. કુલ ઉત્પાદનના ૮.૨૨ ટકા વટાણાનું ત્યાં ઉત્પાદન થાય છે. ચોથો નંબર ઝારખંડ ( ૬.૨૮ ટકા) છે, ઈત્યાદિ-ઈત્યાદિ…
વટાણામાંથી અનેક વાનગી બનાવી શકાય છે. વટાણાનો પુલાવ, ફ્લાવર વટાણા, કોબી વટાણા, બટાકા વટાણા, વટાણાની બરફી પણ બનાવી શકાય છે. પંજાબી વાનગીમાં મેથી-મટર મલાઈ લગભગ પ્રત્યેકને મનભાવન વાનગી ગણાય છે.
થોડું મીઠાશ ધરાવતું શાક મટર-પનીર રેસ્ટોરાંમાં ખાસ ઓર્ડર આપીને ખાવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં તો વટાણાના ઘૂઘરા કે વટાણાની કચોરી લોકો હોશેથી ખાય છે.
ડાયાબિટીસમાં લાભકારક :
વટાણાનું સેવન કરવાથી બ્લડ સુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. તેનું મુખ્ય કારણ વટાણામાં ગ્લાઈસેમિક ઈન્ડેકક્ષનું પ્રમાણ ઓછું જોવા મળે છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે અનુકૂળ આહાર ગણાય છે.
રોગપ્રતિરોધક શક્તિ વધારે :
લીલાછમ વટાણામાં વિટામિન સી તથા ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ સારું જોવા મળે છે, જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વારંવાર ચેપ લાગી જવો કે બીમારીથી બચવામાં મદદ મળે છે. વટાણા માટે એવું કહેવાય છે કે તેના સેવનથી કોઈ રોગ- બીમારી શરીરમાં પ્રવેશતી નથી.
આર્થરાઈટિસમાં લાભકારક
વટાણામાં ‘સેલેનિયમ’ નામક
સત્ત્વ છે, જે આર્થરાઈટિસને કારણે સાંધામાં થતા દુખાવાને રોકવામાં મદદ કરે છે.
ઘૂંટણના દુખાવામાં લીલા વટાણાનું સેવન લાભકારક બને છે.
ગર્ભાવસ્થામાં ઉપયોગી
વટાણામાં આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ, વિવિધ વિટામિનની સાથે પોષક ગુણો સમાયેલાં છે, જે ગર્ભાવસ્થામાં ગુણકારી ગણાય છે માટે ગર્ભાવસ્થામાં વટાણાનું સેવન લાભકારક બને છે.
બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે :
બ્લડ પ્રેશર એક એવી બીમારી છે, જેને કારણે વ્યક્તિનું સ્વાસ્થ્ય ક્યારે બગડે તેનો ખ્યાલ રહેતો નથી. હૃદય રોગ, માથામાં દુખાવો, શરીરે સોજા આવવા, સ્નાયુઓમાં કળતર જેવી તકલીફ ધ્યાન ન રાખવાથી વધતી જોવા મળે છે. લીલા વટાણાનું પ્રમાણભાન રાખીને સેવન કરવાથી શરીરને આવશ્યક્ તેટલી માત્રામાં મેગ્નેશ્યિમ, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે મળી રહે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી બને છે. વટાણામાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં હોવાથી લોહીના ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં ઉપયોગી બને છે.
આંખો-ત્વચા માટે ઉપકારક
વટાણાનું સેવન ત્વચાની ચમક જાળવવાની સાથે આંખોના સ્વાસ્થ્ય માટે લાભકારક ગણાય છે. લીલા વટાણાનું નિયમિત સેવન કરવાથી આંખોમાં તેજ વધે છે. વટાણામાં ‘લ્યૂટિન’ તેમજ ‘જેક્સૈથીન’ નામક બે ખાસ તત્ત્વ છે. નિષ્ણાતોના મત મુજબ એ બંને તત્ત્વ આંખના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારક ગણાય છે. આંખો સંબંધિત પ્રશ્ર્નોથી વટાણાના સેવનથી બચી શકાય છે. વિટામિન સીને કારણે વાળ ખરતાં અટકે છે. તેમજ વિટામિન બી-૬, વિટામિન બી -૧૨ તેમજ ફોલિક એસિડની માત્રા સારા પ્રમાણમાં હોવાથી રક્તકોશિકા બનવામાં મદદ કરે છે. ઑક્સિજન શરીરનાં અંગોમાં સારી રીતે ફેલાય છે, જે ત્વચાની સાથે વાળ તેમજ આંખની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.
આયર્નની ભરપૂર માત્રા :
શરીરમાં આયર્નની માત્રા ઘટે તો થાક લાગવો- નબળાઈ લાગવી જેવી સમસ્યા જોવા મળે છે. થોડું કામ કરવાથી બેસી જવાનું મન થવા લાગે છે. આવા સંજોગોમાં આયર્નયુક્ત ભોજનનો આહારમાં સમાવેશ કરવામાં આવે તો શરીર સ્ફૂર્તિલું બને છે. વટાણામાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં હોવાથી તેના સેવનથી શરીરમાં લાલ રક્તકોશિકાનું નિર્માણ થવામાં મદદ મળે છે. વળી વિટામિન એ, ફોલેટ ફોસ્ફરસ વગેરેની માત્રા સારા પ્રમાણમાં હોવાથી શરીરમાં શક્તિનો સંચાર થવા લાગે છે.
ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી શરીરને રક્ષણ આપે છે.
મેથી મટર મલાઈ બનાવવાની રીત :
સામગ્રી : ૧ કપ ઝીણી સમારેલી મેથી, ૨ કપ લીલા બાફેલાં વટાણા, ૧ ચમચી તેલ ૧ ચમચી ઘી, અડધી ચમચી જીરું, ૧ નાનો કાંદો ઝીણો સમારેલો, ૨ નંગ ટામેટાનો માવો, ૧ કપ દૂધ, ૨ ચમચી મલાઈ, ૧ ચમચી
દૂધનો પાઉડર, ૪ નંગ કાજુ, ૩ નંગ લસણની કળી, ૧ મોટો ટુકડો આદુની કતરણ.
બનાવવાની રીત : ૧ વાટકી વટાણાને મીઠાવાળા પાણીમાં બાફી લેવાં. મેથીના પાનને ઝીણાં સમારી લેવાં. તેમાં ૧ ચમચી મીઠું ભેળવીને રાખવું. એક કડાઈમાં તેલ-ઘી ગરમ કરીને કાંદો સાંતળવો. તેમાં ટામેટાનો માવો ભેળવવો. ૩-૪ મિનિટ માટે પકાવવું. કાજુ-લસણની પેસ્ટ બનાવીને ભેળવવી. ત્યારબાદ તેમાં દૂધની મલાઈ ભેળવવી.
મેથીનું પાણી કાઢીને સાંતળવી. બરાબર સંતળાઈ જાય ત્યારબાદ વટાણા ઉમેરવાં. દૂધનો પાઉડર, આદુંની કતરણ ઉમેરીને અંતમાં મીઠું ભેળવવું. ઉપરથી ગરમ મસાલો છાંટીને ગરમાગરમ પરાઠા સાથે પીરસવું. જો ગળ્યો સ્વાદ પસંદ હોય તો થોડી ખાંડ ઉમેરી શકાય છે.