JVLR નજીક આવેલી આ સોસાયટીમાં રાતે કોણ ફરતું જોવા મળ્યું? રહેવાસીઓમાં ગભરાટ…
મુંબઈઃ મુંબઈ અને ભીડ એ એકબીજાના પર્યાયવાચી શબ્દો છે. સિટી હોય કે સર્બબ બંને ઠેકાણે ગીચ વસતી જોવા મળે છે અને શહેરની લોકસંખ્યા ઝડપથી વધી રહી છે. આવા આ ગીચ માયાવી મુંબઈમાં વચ્ચોવચ્ચ એક ઘનઘોર જંગલ આવેલું છે જેને આપણે સંજય ગાંધી નેશનલ પાર્કના નામે ઓળખીએ છીએ. આ નેશનલ પાર્કને કારણે આસપાસના વિસ્તારમાં ઘણી વખત વન્યપ્રાણીઓ જોવા મળે છે અને આવો જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાતના સમયે એક સોસાયટીમાં દીપડો (Leopard) ફરતો જોવા મળી રહ્યો છે, જેને કારણે આસપાસના નાગરિકોમાં ભય પ્રસરી ગયો છે.
જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ પર આવેલી એક સોસાયટીના પરિસરમાં આ દીપડો ફરતો જોવા મળી રહ્યો છે. સોસાયટીની કંપાઉન્ડ વોલ નજીક દીપડો હોવાનું સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યો છે, જેનવે કારણે સોસાયટી અને આસપાસના રહેવાસીઓમાં ભયનું મોજું ફરી વળ્યું છે. આ બાબતે વનવિભાગને માહિતી આપવામાં આવી હોઈ નાગરિકોને પણ સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.
વનવિભાગના અધિકારીઓ દ્વારા નાગરિકોને જણાવવામાં આવ્યું છે કે અમે આ પરિસ્થિતિ પર વોચ રાખી રહ્યા છીએ. નાગરિકોને ભયભીત થવાની જરૂર નથી. સાંજે અને રાતના સમયે પણ ફોરેસ્ટ ઓફિસર્સ પેટ્રોલિંગ કરી રહ્યા છે. જો ફરી વખત દીપડો જોવા મળે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના 1926 ટોલ ફ્રી હેલ્પલાઈન પર ફોન કરીને માહિતી આપવી.
દીપડો સોસાયટીમાં ફરી રહ્યો છે એ ખરેખર જોખમી છે. આને કારણે રહેવાસીઓનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. અમે લોકો વનવિભાગ અધિકારીઓના સંપર્કમાં છે, એવી માહિતી સોસાયટીના રહેવાસીઓએ આપી છે.
સોસાયટીના પરિસરમાં જો દીપડો દેખાય તો રહેવાસીઓએ શું તકેદારી રાખવી જોઈએ એ વિશે માહિતી આપતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રહેવાસીઓએ રાતના સમયે એકલા ફરવું નહીં. સોસાયટીમાં પ્રોપર લાઈટિંગની વ્યવસ્થા કરવી જોઈએ. નાના બાળકો અને પાળેલા પ્રાણીઓને એકલા બહાર ના જવા દો. સિક્યોરિટી ગાર્ડ્સને પણ રાતના સમયે તેમની કેબિનમાં જ બેસી રહેવું જોઈએ. જો કોઈ કામ અનુસાર બહાર નીકળવું પડે તો હાથમાં ટોર્સ રાખો.