Happy Birthday: હિન્દી સિનેમાને હીરો તો ઘણા મળ્યા પણ આવો વિલન ન મળ્યો
ભારતમાં હિન્દી ફિલ્મો જોનારા 50-60-70ના દશકના કોઈપણ માતા-પિતાએ પોતાના સંતાનનું નામ પ્રાણ નહીં રાખ્યું હોય. પ્રાણજીવન નામ સરસ અને પ્રચલિત હતું, પરંતુ દીકરાનું નામ પ્રાણ તો ન જ રખાય તેવી એક વણલખેલી પરંપરા હતી અને આ પરંપરાનું કારણ હતા આજના બર્થ ડે સેલિબ્રિટી પ્રાણ. હિન્દી ફિલ્મોમાં તેમણે જેટલા પણ વિલનના પાત્ર ભજવ્યા તેમાં એટલા પ્રાણ પૂરી દીધા હતા કે લોકોને અસલી જિંદગીમાં પણ તેઓ એટલા ખુંખાર લાગતા હતા અને પ્રાણ નામની વ્યક્તિ આસપાસ પણ ન હોવી જોઈએ તેવી એક માન્યતા હતા. આજે આ ખૂબ જ આલા દરજ્જાના કલાકાર આપણી વચ્ચે નથી રહ્યા, પણ આજે તેમનો જન્મદિવસ છે ત્યારે તેમની યાદો તાજી થઈ રહી છે.
પ્રાણનો જન્મ 12 ફેબ્રુઆરી 1920ના રોજ જૂની દિલ્હીના બલ્લીમારન વિસ્તારમાં એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ પ્રાણ કૃષ્ણ સિકંદર હતું. પ્રાણના પિતા કેવલ કૃષ્ણ સિકંદર સિવિલ એન્જિનિયર હતા. પ્રાણને ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો હતી. પિતાની સરકારી નોકરીના કારણે તેમને અલગ-અલગ જગ્યાએ જવું પડતું હતું. આ કારણે પ્રાણનું શિક્ષણ ઉન્નાવ, મેરઠ, દેહરાદૂન, રામપુર અને કપૂરથલા જેવા અનેક શહેરોમાં થયું.
યુવાનીમાં પ્રાણને ફોટોગ્રાફીનો શોખ હતો. તે ફોટોગ્રાફર બનવા માંગતો હતો. આ માટે તેણે દિલ્હીની એ દાસ એન્ડ કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે પણ કામ કર્યું હતું. પ્રાણના એક્ટર બનવાની કહાની પણ ઘણી રસપ્રદ છે. કહેવાય છે કે પ્રાણને પાન ખાવાનો શોખ હતો. એકવાર જ્યારે તે પાનની દુકાન પર ઊભો હતો, ત્યારે 1940ના દાયકાના પ્રખ્યાત લેખક મોહમ્મદ વલીએ તેની નોંધ લીધી અને તેણે પોતાની ફિલ્મમાં પ્રાણને કાસ્ટ કરવાનું નક્કી કર્યું.
આ પછી પ્રાણ મોહમ્મદ વલીની પંજાબી ફિલ્મ યમલા જટ્ટમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ઘણી હિટ સાબિત થઈ હતી. પ્રાણ એ પછીના ચાર વર્ષમાં 22 ફિલ્મોમાં કામ કર્યું. આ પછી દેશનું વિભાજન થયું અને તે ભારત આવ્યો. પ્રખ્યાત ઉર્દૂ લેખક સઆદત હસન મંટો અને અભિનેતા શ્યામના કારણે તેમને દેવ આનંદ અભિનીત ફિલ્મ ‘ઝિદ્દી’ મળી. બસ આ ફિલ્મથી તેની હીરોમાંથી વિલન બનવાની સફર શરૂ થઈ.
પ્રાણ એ એક પછી એક ઘણી હિન્દી સિનેમા ફિલ્મોમાં વિલન તરીકે સશક્ત ભૂમિકાઓ ભજવી હતી. સ્થિતિ એવી હતી કે લોકો પ્રાણને વાસ્તવિક જીવનમાં પણ વિલન માનવા લાગ્યા હતા. પોતાની કારકિર્દીમાં પ્રાણે 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. પ્રાણને ત્રણ વખત ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. 1997માં તેમને ફિલ્મફેર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. પ્રાણને હિન્દી સિનેમામાં તેમના યોગદાન માટે 2001 માં ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ મળ્યો હતો, અને સાલ દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2013માં 93 વર્ષની વયે પ્રાણે આ દુનિયાને અલવિદા કહી દીધું. જોકે પ્રાણના પોઝિટીવ રોલ પણ લોકોને એટલા જ ગમ્યા. મનોજકુમારની ઉપકારમાં હાથમાં ઘોડી લઈને કસમે વાદે પ્યાર વફા ગાતા પ્રાણ કે પછી અમિતભાની ઝંઝીરમાં હાથમાં રૂમાલ લઈને યારી હૈ ઈમાન મેરા યાર મેરી ઝિંદગી ગાતા પ્રાણ પણ લોકોને એટલા જ ગમ્યા.
પ્રાણ જ્યારે દુનિયા છોડીને ગયા ત્યારે ખરેખર હિન્દી સિનેમાનો પ્રાણ જતો રહ્યો તેમ લાગ્યું હતું.