પુણેમાં દુકાનમાલિક પર ગોળીબાર કર્યા બાદ ઝવેરીની આત્મહત્યા
પુણે: આર્થિક વિવાદને લઇ દુકાનમાલિક પર ગોળીબાર કર્યા બાદ ઝવેરીએ પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી હોવાની ઘટના પુણેના ઔંધ વિસ્તારમાં બની હતી.
ગોળીબારમાં ઘવાયેલા દુકાનમાલિકને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોઇ ચતુર્શ્રૃંગી પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી તપાસ આદરી હતી.
પોલીસના કહેવા મુજબ મૃતક ઝવેરીની ઓળખ અનિલ ધમાલે (૫૨) તરીકે થઇ હોઇ તે બાલેવાડી વિસ્તારનો રહેવાસી હતો. તેણે આકાશ ગજાનન જાધવ (૩૯) પર શનિવારે સાંજે હોટેલની નજીક ગોળીબાર કર્યો હતો.
બાનેરનો રહેવાસી આકાશ જાધવ ઘણાં વર્ષોથી અનિલ ધમાલેને ઓળખતો હતો અને આકાશે તેની દુકાન અનિલને ભાડા પર આપી હતી. શનિવારે સાંજે અનિલે નાણાકીય બાબતે ચર્ચા કરવા માટે આકાશને બોલાવ્યો
હતો.
આકાશ મોટરસાઇકલ પર ઘટનાસ્થળે પહોંચ્યા બાદ બંને જણ હોટેલમાં ચા પીવા માટે નીકળ્યા હતા. અનિલ મોટરસાઇકલ પર પાછળ બેઠો હતો અને હોટેલ નજીક આવ્યા બાદ તેણે પિસ્તોલમાંથી આકાશ પર ગોળીબાર કર્યો હતો.
અનિલ ગોળીબાર કર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને રિક્ષા પકડી તે ચતુર્શ્રૃંગી વિસ્તાર તરફ રવાના થયો હતો. રિક્ષા ભાલે ચોક ખાતે પહોંચ્યા બાદ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.