રાજ્યમાં વિદર્ભમાં કમોસમી વરસાદ અને માવઠું: પાકને નુકસાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હાલ ઠંડી અને ગરમીનો મિશ્ર માહોલ છે, તો રાજ્યના વિદર્ભમાં કમોસમી વરસાદ અને માવઠું પડવાને કારણે કોટન સહિતના જુદા જુદા ખેતીના પાકને નુકસાન થયું છે.
મુંબઈમાં દિવસના સમયે ગરમી અને ઉકળાટ જણાઈ રહ્યો છે. તો રાતના સમયે વાતાવરણમાં થોડી ઠંડક જણાઈ રહી છે. રવિવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૯.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી જેટલું નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૨.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૬.૭ ડિગ્રી નોંધાયું હતું.
આગામી ૧૫ ફેબ્રુઆરી સુધી મુંબઈમાં ગરમી-ઠંડી જેવો માહોલ રહેવાની શક્યતા છે ત્યારે રાજ્યના વિદર્ભના અનેક જિલ્લામાં રવિવારે કમોસમી વરસાદ અને માવઠું રહ્યું હતું. વિદર્ભના નાગપુર, યવતમાળ, વર્ધા અને અમરાવતી જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે જ ભારે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન ખાતાએ વિદર્ભમાં આગામી ૨૪ કલાક આવું જ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ દરમિયાન અચાનક પડેલા વરસાદ અને માવઠાને કારણે વર્ધામાં કોટન, ઘઉં, તુવેરની દાળ, ચણાની દાળ જેવા અનેક પાકને નુકસાન થયું હોવાનું વર્ધા જિલ્લાના રેવેન્યુ ઓફિસરે જણાવ્યું હતું.