યુએસ કોન્સ્યુલેટને ધમકીભર્યો ઇમેઇલ મોકલનાર વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: યુએસ કોન્સ્યુલેટ જનરલ ઓફિસને ધમકીભર્યો ઇમેઇલ મોકલવા પ્રકરણે બીકેસી (બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ) પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે આ ઘટના બની હતી અને ધમકીભર્યો ઇમેઇલ મોકલનારની શોધ ચલાવવામાં આવી રહી છે.
યુએસ કોન્સ્યુલેટર જનરલ ઓફિસને શુક્રવારે ‘યુએસએ કોન્સ્યુલેટ સામે ખતરો’ વિષય સાથેનો ઇમેઇલ મળ્યો હતો.
ઇમેઇલમાં લખવામાં આવ્યું હતું કે હું યુએસએનો ભાગેડુ નાગરિક છું. હું યુનાઇટેડ સ્ટેટ્સમાં ૧૯થી વધુ આરોપનો સામનો કરી રહ્યો છું. બાઇડન તાત્કાલિક જાહેરમાં માફી માગે એવું હું ચાહું છું, નહીં તો હું દરેક યુએસ કોન્સ્યુલેટને ફૂંકી મારીશ. હું ઘણા યુએસ નાગરિકોને મારી નાખવાની યોજના બનાવી રહ્યો છું.
દરમિયાન કોન્સ્યુલેટના અધિકારીઓએ આ અંગેની જાણ પોલીસને કરી હતી અને બાદમાં પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ ઇમેઇલ આઇડીના આઇપી એડ્રેસની તપાસ કરીને શંકાસ્પદની શોધ ચલાવી રહી છે.
ગોવંડીની બૅન્કમાં ૧૨ બૉમ્બ પ્લાન્ટ કર્યાની ધમકી
અફવા ફેલાવનારો પોલીસના સકંજામાં
મુંબઈ: ગોવંડીની દેવનાર કોલોનીમાં આવેલી બેન્કમાં ૧૨ બોમ્બ પ્લાન્ટ કર્યાની ધમકી આપતો કૉલ કરનાર શખસને પોલીસે ઝડપી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. આરોપીએ દારૂના નશામાં કૉલ કરીને બોમ્બની અફવા ફેલાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
નાગપુરના પોલીસ ક્ધટ્રોલ રૂમને શનિવારે મોડી રાતે એક વ્યક્તિએ કૉલ કર્યો હતો અને પોતાની ઓળખ વ્યંકટેશ રાજન મઘાડી તરીકે આપી હતી.
તેણે પોલીસને જણાવ્યું હતું કે ગોંવડીની દેવનાર કોલોનીમાં આવેલી બેન્કમાં ૧૨ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે. બાદમાં તેણે ફોન કટ કરી દીધો હતો.
દરમિયાન આ અંગેની જાણ સ્થાનિક ગોવંડી પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે તપાસ હાથ ધર્યા બાદ વ્યંકટેશન મઘાડીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મઘાડીએ દારૂના નશામાં કૉલ કર્યો હતો.