અમદાવાદમાં છેલ્લા ૪૮ કલાકમાં પાંચ લોકોએ આપઘાત કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં ઓછી ઉંમરના યુવાનોમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યુ છે. છેલ્લા ૪૮ કલાકમાં ૨૧ વર્ષથી ઓછી ઉંમરના ત્રણ સહિત કુલ પાંચ લોકોએ આપઘાત કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરમાં રહેતા પ્રકાશ મારુ (ઉં.વ.૧૬)એ શુક્રવારે બપોરે જ્યારે પોતાના ઘરમાં એકલો હતો ત્યારે પંખા સાથે લટકી ગળાફાંસો ખાઇ લીધો હતો. પ્રકાશ મારુ ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. તેણે પરીક્ષાના તણાવમાં આવીને આ પગલું ભર્યું છે કે અન્ય કોઇ કારણથી તે હાલ જાણી શકાયું નથી. નારોલની હંસા પાર્ક સોસાયટીમાં રહેતી નિશા બઘેલ (ઉં.વ.૧૭)એ ગુરુવારે બપોરના સમયે પોતાના ઘરમાં ઝેર પી લીધું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો નિશાને એલજી હૉસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે તેનું મોત નીજ્યું હતું. અન્ય એક બનાવમાં રાજસ્થાનના યુવક રામલાલ મીણા (ઉં.વ.૨૦) કે જે આણંદનગરમાં વ્રજ કોમ્પલેક્સ પાછળ ફર્કીના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા તેણે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. સોલા વિસ્તારમાં રહેતા રામસ્વરૂપ દાસ (ઉં.વ.૪૭)એ પોતાના શાયોના એસ્ટેટ સ્થિત ઘરે શુક્રવારે રાત્રે એલવેટર એંગલ સાથે બેડશીટ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઉપરાંત ધનંજય દેસાઇ (ઉં.વ.૩૮)એ ગુરુવારે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો. બન્ને બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.