આપણું ગુજરાત

અંબાજીમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૧૨મીથી ૧૬મી સુધી યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૨મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો આ પરિક્રમામાં આવશે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અંબાજીમાં ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ ઉજવવામાં આવે છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠના દર્શન કરવા માટે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાનમાં અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. જેમાં ૧૨મી ફેબ્રુઆરી સોમવારે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભા યાત્રા, ચામર યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યાગ(યજ્ઞ), ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ, આનંદ ગરબા પાલખી પરિક્રમા યાત્રા, વિવિધ મંડળો ધ્વારા પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. ૧૩મી ફેબ્રુઆરી મંગળવારે શક્તિપીઠના મંદિર ખાતે ધજા અર્પણ કાર્યક્રમ, આનંદ ગરબા અખંડ ધૂન પૂર્ણાહુતિ, માતાજીની પાદુકા યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યાગ(યજ્ઞ), ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો ધ્વારા પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને પાલખી યાત્રા યોજાશે. ૧૪મી ફેબ્રુઆરી બુધવારે જયોત યાત્રા, પાલખી યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યાગ(યજ્ઞ), ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ, ગબ્બર ટોચ ખાતે રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી, વિવિધ મંડળો ધ્વારા પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે.

૧૫મી ફેબ્રુઆરી ગુરુવારે શક્તિપીઠના સંકુલોમાં શકિત યાગ(યજ્ઞ), પાલખી યાત્રા, ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો ધ્વારા પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. ૧૬મી ફેબ્રુઆરી શુક્રવારે શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યાગ(યજ્ઞ), પાલખી યાત્રા, ભજન મંડળીઓ ધ્વારા ભજન સત્સંગ, પરિક્રમા ઉત્સવના દાતાઓ, યજ્ઞના યજમાનો, બ્રાહ્મણો વિગેરેનો સન્માન કાર્યક્રમ, વિવિધ મંડળો ધ્વારા પરિક્રમા યાત્રા, ગબ્બર તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. આ ઉપરાંત દરરોજ સાંજે સાત વાગ્યે ગબ્બર ટોચ તેમજ પરિક્રમાના દરેક મંદિરોમાં એક સાથે ભવ્ય મહાઆરતી, દરરોજ સાંજે નામાંકિત કલાકારો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે. દરરોજ વિનામૂલ્યે ભોજન પ્રસાદની સુવિધા ઊભી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button