ખેડૂતોની કૂચને લઇને પંજાબ-હરિયાણા સરહદ સીલ
નવી દિલ્હી: ખેડૂતોની ૧૩ ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો માર્ચ’ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર પૂર્વીય જિલ્લામાં રવિવારે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગભગ ૨૦૦ ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત ‘દિલ્હી ચલો માર્ચ’ના ભાગરૂપે મંગળવારે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં રાષ્ટ્રીય રાજધાની તરફ
કૂચ કરે તેવી શક્યતા છે.
આ અગાઉ હરિયાણાના અધિકારીઓએ અંબાલા નજીક શંભુ ખાતે પંજાબ સાથેની સરહદ સીલ કરી દીધી છે. દિલ્હી તરફની કૂચને રોકવા માટે જીંદ અને ફતેહાબાદ જિલ્લાની સરહદો પર પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણા સરકારે અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા એમ સાત જિલ્લાઓમાં ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ અને એક સાથે અનેક એસએમએસ મોકલવાની સેવાઓને સ્થગિત કરી દીધી છે.
શંભુ બોર્ડર પર આવેલ ઘગ્ગર ફ્લાયઓવર રોડ ટ્રાફિક માટે બંધ છે અને પોલીસે રોડ પર સિમેન્ટના બેરિયર લગાવ્યા છે. શંભુ બોર્ડર પર કાંટાળા તાર, રેતીની થેલીઓ, કોંક્રીટ બ્લોક બેરિયર અને અન્ય વસ્તુ એકઠી કરી દેવામાં આવી છે. જીંદમાં હરિયાણા-પંજાબ સરહદ નજીકના બે રસ્તાઓને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને વધુ બે રસ્તાઓ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે, એમ એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
ફતેહાબાદ જિલ્લામાં પોલીસે પંજાબના દેખાવકારોને દિલ્હી તરફ આગળ વધતા રોકવા માટે જાખલ રોડ પર સિમેન્ટના અવરોધો અને રસ્તા પર ખીલાઓ પાથરવામાં આવ્યા છે. હરિયાણા પોલીસે શનિવારે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરીને મુસાફરોને વૈકલ્પિક માર્ગો અપનાવવા જણાવ્યું હતું. ખેડૂતોએ અંબાલા-શંભુ બોર્ડર, ખનૌરી-જીંદ અને ડબવાલી બોર્ડરથી દિલ્હી જવાની યોજના બનાવી છે.
કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનોને તેમની માગણીઓ પર ચર્ચા કરવા માટે ૧૨ ફેબ્રુઆરીએ બીજી બેઠક યોજવા આમંત્રણ આપ્યું છે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ ૧૩ ફેબ્રુઆરીએ ૨૦૦ થી વધુ ખેડૂત સંગઠનો દ્વારા ‘દિલ્હી ચલો’ની ઘોષણા કરી હતી જેમાં પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંયધરી આપવાના કાયદા સહિતની અનેક માગણીઓ માટે દબાણ કરવામાં આવી શકે છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તરપૂર્વ) જોય ટિર્કીએ જાહેર કરેલા આદેશ અનુસાર, અમે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૧૪૪ (પ્રતિબંધિત હુકમ) લગાવી છે. એવું નોંધવામાં આવ્યું છે કે કેટલાંક ખેડૂત સંગઠનોએ તેમના સમર્થકોને લઘુતમ ટેકાના ભાવ પર કાયદો બનાવવાની તેમની માગ સાથે ૧૩મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં માર્ચ કરવા જઇ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં કોઈને ખલેલ પહોંચાડવા દેવામાં આવશે નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતો હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને અન્ય સંભવિત વિસ્તારોમાંથી પણ આવશે. કોઈ પણ વ્યક્તિ કે વિરોધ કરનારને હથિયારો, તલવારો, ત્રિશૂળ, ભાલા, લાકડીઓ, સળિયા અને અન્ય હથિયારો લાવવાની મંજૂરી નથી અને પોલીસે આ લોકોને સ્થળ પર જ અટકાયતમાં લેવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ.ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથેની દિલ્હીની સરહદો પર ૫,૦૦૦ થી વધુ સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરી રહી છે.