ભાણસાહેબ પ્રબોધિત અને રવિસાહેબ કથિત રવિગીતાનું દર્શન
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
જે રીતે સહજાનંદ સ્વામીએ રામાનંદ પરંપરાના ઉદ્ધવ સંપ્રદાયમાં દીક્ષ્ાિત થઈને એ સંપ્રદાયની સાધનાધારામાં વિશેષ્ા રૂપે ભક્તિ અને સાધનાના ઘટકો ભેળવીને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરીને ગુરુૠણનો સમાદર કરી વિવેકપૂત બનીને સમકાલીન-તત્કાલીન સમાજ સંરચનામાં સમુચિત રીતે ઉમેરણ ર્ક્યું એમાં ગુરુપ્રાપ્ત દૃષ્ટિકોણ પણ કેન્દ્રસ્થાને હોય છે. એને હું ડેવિએશન-ફંટાવાનું નથી ગણતો પણ ડિવોશન-સમર્પિત ભક્તિનું રૂપ ગણું છું. રવિભાણ પરંપરામાં પણ એ જ રીતની સાધનાધારા વિકાસ પામી છે. ગુરુનો પંથ ગુરુની સાધનાધારા રવિભાણ પરંપરા રૂપે પ્રગટીએ ડેવિએશન નથી પણ ડિવોશન પ્રણિત રૂપ છે.
ઈ.સ.૧૬૧રમાં જન્મેલા ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજજી અને રાણીબા ગંગાદેવીના સુપુત્ર સામંતસિંહજી કે જેમણે ઈ.સ.૧૬૩૦માં કબીર પરંપરાના યાદવપુરીજી દ્વારા દીક્ષ્ાા લઈને ષ્ાટપ્રજ્ઞ નામ ધારણ કરેલું અને પિતૃગૃહે જ યોગસાધનામાં ખૂબ જ પારંગત થઈને ઈ.સ.૧૬૩૪માં ઝીંઝુવાડા છોડીને ગુરુના નિર્વાણ પછી દુધરેજની ગુરુ ગાદી સંભાળેલી. ઈ.સ.૧૬૯૮માં કનખિલોડ(ચરોત્તર વિસ્તાર) ગામે પ્રસિદ્ધ લોહાણા પરિવારના કલ્યાણજી ઠક્કર અને અંબાબાઈ માતાના સુપુત્ર તરીકે જન્મેલા ભાણસાહેબે બાર વર્ષ્ાની તરુણવયે દુધરેજના ષ્ાટપ્રજ્ઞજી પાસેથી ઈ.સ.૧૭૧૦માં દીક્ષ્ાા લઈને યોગસાધનામાં લીન થઈને સિદ્ધિ પામેલા. યોગસાધના-દીક્ષ્ાાવિધિ પછી ઈ.સ.૧૭ર૪માં વારાહી-રાધનપુર વિસ્તારના લોહાણા મેઘજીભાઈ ઠક્કરના સુપુત્રી ભાણબાઈ સાથે લગ્નવિધિથી પણ જોડાઈ ગૃહસ્થાશ્રમ ધર્મ બજાવ્યો. ઈ.સ.૧૭૩૪માં પુત્ર ખીમસાહેબનો જન્મ થયો. ઈ.સ.૧૭ર૯માં ભાણસાહેબે શેરખી ગામે જગ્યાની સ્થાપના કરી. ભાઈ કાનદાસ અને ભાભી કુંવરબાઈને દીક્ષ્ાા આપી શિષ્ય બનાવ્યા. એ જગ્યાની ગાદી કાનદાસભાઈને સંભાળવા આપેલી. ઈ.સ.૧૯ર૭માં જન્મેલા રવિસાહેબને ઈ.સ.૧૭૪૮માં દીક્ષ્ાા આપીને પટ્ટશિષ્ય બનાવ્યા. યોગવિદ્યામાં પારંગત થયા આ માટે ગુરુ પાસેથી પ્રાપ્ત જ્ઞાનયોગબોધને એમણે ભાણગીતા-રવિગીતા નામના ગ્રંથમાં ઢાળેલ છે. મારી દૃષ્ટિએ કબીરસાહેબની ગુરુગીતા પછીની આ બીજી ગુરુગીતા- રવિગીતા-ભાણગીતા ગણાવી જોઈએ. ગુરુમહિમા કથતી ગુરુના સાનિધ્યમાં મેળવેલા ગુરુમુખી સાધનાધારાને ઈ.સ.૧૭પપમાં મહા મહિનામાં રચી. એ પછી બીજા મહિને ભાણસાહેબે સમાધિ લીધેલી. રવિસાહેબ કૃત ભાણપરચરી પણ મહત્ત્વનો ગ્રંથ છે. ભાણસાહેબ પુત્ર ખીમસાહેબના પૌત્ર સુંદરદાસ સાહેબે એ ગ્રંથનો ઉત્તરાર્ધ રચીને એમાં એમનું ર્ક્તૃત્વ ભેળવેલ છે. અપૂર્ણ ગ્રંથ એમના દ્વારા પૂર્ણ થયેલ.
શિષ્ય સમુદાય સાથે વિહારમાં નીકળેલા અને દ્વારિકાથી પરત થયેલા ભાણસાહેબ વીરમગામ પાસે ઝાલાવાડના કમીજલા ગામેથી પસાર થયા. આ મેપા ભગતનું ગામ હોઈને એમને ઘેર તપાસ કરી, પણ ખબર મળ્યા કે મેપા ભગત ઘરે નથી. એટલે ભાણ સાહેબે એમના શિષ્યવૃંદ સાથે સોનલ ઘોડી પર બીરાજીને શિષ્યો સાથે પદયાત્રા આરંભી. ત્યાં મેપા ભગત ઘેર આવ્યા અને ખબર પડી કે ભાણ ગુરુ પધારેલા. તૂરત દોડતા-દોડતા નીકળી પડયા અને જઈ રહેલા ગુરુને બૂમ પાડીને કહ્યું, એ હવે એક ડગલુંય આગળ વધ્યા તો તમને રામ દુહાઈ છે અને કહેવાય છે કે ગુરુભાણ ત્યાં જ સ્થિર થઈ ગયા. પછી તો રામદુહાઈને માનીને ત્યાં જ પગમાં બેડી માની બેસી ગયા. વિ.સં.૧૮૧૧ના ચૈત્રસુદી બીજને ગુરુવારે ૧૬-૩-૧૭પપના દિવસે સમાધિ લીધી. સાથે યાત્રામાં-યોગ સાધનામાં સામેલ કનક કૂતરી અને સોનલ ઘોડીએ પણ ભૂમિ સમાધિ લીધેલી. ત્યાં એ સ્થળે આજે આદ્યગુરુ ભાણસાહેબની ચેતન સમાધિ છે. કમીજલા આશ્રમ ચૈતન્યશીલ જગ્યા છે. વર્તમાન જ્ઞાની મહંત ગુરુ જાનકીદાસબાપુ ભાણ દર્શિત સાહિત્યની આરાધના-સાધનામાં લીન છે.
ભાણસાહેબે કબીરપરંપરાથી દીક્ષ્ાિત ગુરુ ષ્ાટપ્રજ્ઞસ્વામી પાસેથી મેળવેલ જ્ઞાન-ભક્તિમાં પોતીકું અનુભૂત સત્ય, સાધનાફળ પ્રાપ્ત જ્ઞાનને ઉમેરી યોગક્રિયાસાધનાને કેન્દ્ર બનાવી રવિસાહેબને સમજાવી પુત્ર ખીમને સમજાવી કેટલુંક ન સમજાતું તથ્ય રવિસાહેબ પાસેથી સમજવા કહેલું. ભાણદીક્ષ્ાિત, જ્ઞાનરાશિ, ભાણગીતા – રવિગીતામાં વર્ણ્ય વિષ્ાય છે. ભાણસાહેબની સમાધિ પૂર્વેનું સંપૂર્ણ જ્ઞાન-ગૂઢવિદ્યા-જાણે કે રવિસાહેબે જાણી અનુભવી અને સત્ તત્ત્વ સ્વરૂપે શબ્દબદ્ધ કરી. કુલ એક્વીશ કડવામાં ઢાળમાં ચોપાઈ, દુહા અને સાખીબંધમાં રચના કરી છે.
આરંભે ચોપાઈ, પછી ઢાળ અને અંતમાં દોહો અથવા સાખીબંધમાં પોતાને ભાણગુરુ પાસેથી મળેલ જ્ઞાનને-યોગસાધના ધારાના સિદ્ધાન્ત અને એના વિનિયોગથી પ્રાપ્ત પરિણામ – ફળને અહીં વિષ્ાયસામગ્રી તરીકે ખપમાં લીધેલ છે. એમાંનું તત્ત્વ તો કબીરતત્ત્વ ગુરુ ષ્ાટપ્રજ્ઞસ્વામી પાસેથી પ્રાપ્ત થયું પણ પોતીકી અનુભૂતિ બળે દર્શન વિક્સિત સ્વરૂપે અનુભવાયું એ તળપદા તત્ત્વ રૂપે પ્રયોજયું, પ્રબોધ્યું અને પ્રતિઘોષ્ા એટલે ભાણ-કબીર પ્રબોધિત પરંપરા. જે પછીથી ગુજરાતમાં રવિ-ભાણ સંપ્રદાય પરંપરા રૂપે વિકાસ પામીને વિસ્તરી. એ રીતે રવિભાણ પરંપરાનું મૂળ તત્ત્વદર્શન અહીં નિહિત છે. કડવાના ચોપાઈ કે દોહરાબંધમાં વર્ણિત એ તત્ત્વને આસ્વાદીએ-
પંચતત્ત્વકે પાર હૈ અંકુર બીજ વીન એક
રવિદાસ ગ્રહ્યા સત્ નામકું, જાકું રૂપ ન રેખ
જેને સત્નામનું સ્મરણ કરીને ગુરુગમ-ગુપ્ત ચાવી મળે એ જ પંચતત્ત્વથી પર અને બીજ વિનાના અંકુર રૂપની અનુભૂતિ મેળવી શકે.
સહજ શૂન્ય અકલ અખંડિત, ધ્યાન વર માંહે વંડ
પરમ જયોતિ જહાં સકલ પસારા માગ્યા તણાં નહીં મંડ
બ્રહ્માકાશનો અનુભવ અહીં સાધના દ્વારા જે પ્રાપ્ત થાય છે, તે એ કે જયાં ત્રણ કાળ નથી, આદિ કે અંત નથી. ઉષ્ણ કે શીત નથી, ચં-સૂરન નથી. માત્ર ને માત્ર આવી અભેદ અવસ્થા છે.
મૂળ દ્વારા બાંધીયે, પવન ચઢે ગગન
નાદ-બૂંદ મળી એક થાયે, દેખે જોત રતન
સાધનાપ્રક્રિયાનો અહીં નિર્દેશ છે. મુલાધારથી આરંભી સ્વાધીષ્ઠાન અને પછી એક-એક કરીને ષ્ાટચક્ર ભેદનની ક્રિયાનો ઉલ્લેખ છે. આવી યોગિકક્રિયાઓ ઉપરાંત નામજાપનો મહિમા પણ રવિ-ભાણ પરંપરાનું આગવું પાસું છે. રવિસાહેબ ગાય છે કે –
નામે પાતક છૂટીએ, નામે નાસે રોગ
નામ સમોવડ કોઈ નહીં, જપ,તપ, તીરથ યોગ
અહીં સમજાય છે કે યોગસાધનાથી પણ ઊંચી કક્ષ્ાા નામ જાપની છે. એને કારણે પ્રાપ્ત અનુભૂતિ અહીં આલેખી છે.
રવિરજની તિહાં નહીં, નહીં ધરતી આકાશ
રવિદાસ કહે પરબ્રહ્મ પુરણ, વસ્યો વ્યોમાકાશ
ત્યાં સૂર્ય, રાત્રી, ધરતી કે આકાશ કશું જ નથી એ સ્થાને વ્યોમાકશમાં પરબ્રહ્મતત્ત્વ છે. એ રીતે અદ્યૈત તત્ત્વની વિગત કથી છે.
સાધનાધારાની ફળશ્રુતિમાં ભાણગીતા-રવિગીતામાં રવિસાહેબ ગુરુમુખી જ્ઞાનને આલેખતા ગાય છે કે –
અનભે પદ જે અનુભવે, વણ સંવાદે-સંવાદ
રવિદાસ રસમાં રસ બસે, તિહાં નહીં નિંદા વાદ
મારી દૃષ્ટિએ ડિવોશનથી પ્રાપ્ત આ ડેવિએશન-યોગ, નામજાપ સાધના અને સેવાભાવના, ગુરુની મહત્તા એ કબીરથી અનુપ્રાણિત એવી અનોખી-આગવી તળપદી રવિભાણ પરંપરાની તત્ત્વદર્શનની પીઠિકા છે.