આપણું ગુજરાતનેશનલ

કેમ તૂટી રહ્યો છે આ સ્નેહસંબંધ, આર્થિક-સમાજિક કારણો સાથે સોશિયલ મીડિયા પણ જવાબદાર?

અમદાવાદઃ માતા-પિતા સહિતના તમામ સંબંધો લોહીના છે. આ તમને જન્મ સાથે મળે છે. જન્મથી જ તમારા માતાની બહેન તમારી માસી અને પિતાની બહેન તમારી ફઈ છે. દરેક સંબંધ પહેલેથી જ નક્કી છે, તેમાં સમને પસંદગી મળતી નથી, પણ એક મિત્ર અને જીવનસાથી તમે તમારી પસંદગી પ્રમાણે મેળવી શકો છે. મિત્ર સાથેનો સંબંધ અનેરો છે જ, પણ તેના કરતા જીવનસાથી સાથેનો સંબંધ તમામ દૃષ્ટિએ અનેકગણો વિશેષ છે. આપણા ધર્મમાં લગ્નને પવિત્ર બંધન અને એક ખૂબ જ પવિત્ર સંસ્થા માનવામાં આવે છે, પરંતુ વિતેલા વર્ષોમાં આ સંબંધો નબળા પડી રહ્યા છે અને સામાજિક વ્યવસ્થા સામે એક મોટો ખતરો દેખાઈ રહ્યો છે. આ વાતની સાબિતી આપે છે કોર્ટમાં થઈ રહેલી છૂટાછેડા માટેની અરજીઓ. ગુજરાતની જ વાત કરીએ તો રોજના લગભગ 70 કરતા વધારે છૂટાછેડા માટેના કેસ અહીંની ફેમિલી કોર્ટમાં આવે છે. ભલે રોજના થતાં લગ્નોના પ્રમાણમાં આ આંકડો નાનો હોય, પરંતુ 70 કપલ પોતાની વચ્ચેના મતભેદોને એટલા મોટા કરી દે કે તેમણે કોર્ટના દરવાજે આવવું પડે તે ચિંતાનો વિષય તો ખરો જ.

ગુજરાતમાં કુલ 36 ફેમિલી કોર્ટ છે. એક અહેવાલ પ્રમાણે અહીં 2021માં 18,508 કેસ ફાઈલ થયા હતા, જે વધીને 2023માં 27,194 થયા છે. જોકે માત્ર ગુજરાત નહીં દેશમાં આ હાલ છે. ઉત્તર પ્રદેશ, કેરળ અને પંજાબમાં અનુક્રમે 2.87 લાખ, 84,610 અને 68,711 કેસ ફેમિલિ કોર્ટમાં નોંધાયા છે. જોકે પશ્ચિમ બંગાળની ફેમિલી કોર્ટમાં સૌથી ઓછા 657 કેસ નોંધાયા હતા.
છૂટાછેડાનું પ્રમાણ કોરોનાકાળ બાદ વધ્યું હોવાનું નિષ્ણાતો કહે છે. આર્થિક સંકડામણ આનું એક કારણ હોઈ શકે. આ સાથે પરિવાર સાથેનો વિખવાદ હંમેશાં છૂટાછેડા માટેનું મુખ્ય કારણ રહ્યું છે. જોકે નવા અને આધુનિક યુગમાં એક નવું કારણ જોડાયું છે અને તે છે મોબાઈલ અને સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગ અને તે મામલે થતાં તણાવ પણ લગ્નમા ભંગાણનું કારણ બન્યા છે. થોડા સમય અગાઉના પોલીસ ખાતાના એક અહેવાલ પ્રમાણે સોશિયલ મીડિયાને લીધે પતિ કે પત્ની પર નજર રાખવાનું, તેમના પર શક કરવાનું પ્રમાણ વધ્યું છે.

મહિલાઓ સ્વતંત્ર થતાં હવે ઘરેલું હિંસા કે ખોટી સતામણી સહન કરતી નથી અને જો સંબંધ યોગ્ય રીતે ન ચાલતો હોય તો તેનો અંત આણવાનું યોગ્ય સમજે છે. સામે પક્ષે શિક્ષિત પુરુષો પણ હજુ પત્ની અને લગ્ન મામલે જૂની રૂઢીવાદી માનસિકતાથી પીડાઈ છે. આ સાથે લગ્નેત્તર સંબંધોનું પ્રમાણ પણ વધ્યું છે. કોર્ટમાં એક સમયે પતિ અને સાસરિયા દ્વારા કનડગતની ફરિયાદો મોટે ભાગે આવતી હતી, પરંતુ હવે પત્નીની કનડગતથી કંટાળી કોર્ટમાં આવતા પતિની સંખ્યા પણ વદી હોવાનું અહેવાલ જણાવે છે.

દરેક કપલ અને પરિવારમાં વિખવાદના કારણો અલગ હોઈ શકે, પરંતુ પરિવારનું તૂંટવું સમાજ માટે ખતરાની ઘંટડી તો છે જ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button