નેશનલ

Loksabha Election 2024: પંજાબમાં ન જામી વાત! અકાલી દળ સાથે NDA ગાંઠબંધનની વાત નિષ્ફળ: સૂત્ર

નવી દિલ્હી: Loksabha Election 2024 ને લઈને ભાજપ પોતાની તાકાત વધુ મજબૂત કરવા માટે થઈને NDAને મજબૂત કરી રહી છે. જેને લઈને પંજાબમાં ગઠબંધનને લઈને ભાજપ અને અકાલી દળ (BJP Akali Dal alliance) વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાટાઘાટો ચાલી રહ્યા હતા. પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી નહીં લડવાની જાહેરાત બાદ ભાજપે પોતાની રણનીતિ બદલી છે. અકાલી દળ પણ ખેડૂતોના આંદોલન અને શીખ કેદીઓને મુક્ત કરવાના મુદ્દાઓને લઈને ભાજપ પર દબાણ બનાવી રહ્યું હતું. આ ઉપરાંત પંજાબનું ભાજપ નેતૃત્વ પણ ગઠબંધનના પક્ષમાં ન હતું. તેવામાં સૂત્રો તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ પંજાબમાં અકાલી દળ અને બીજેપી ગઠબંધન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ છે.

થોડા સમય પહેલા અકાલી દળના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ પંજાબની 13માંથી 6 લોકસભા સીટો પર ચૂંટણી લડવાની માંગ કરી રહી છે, જ્યારે અકાલી દળ આટલી સીટો આપવા તૈયાર નથી. જ્યારે અકાલી દળ એનડીએનો ભાગ હતો ત્યારે તે 10 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું હતું અને ભાજપ ત્રણ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું હતું. જો કે, અત્યારે પંજાબમાં અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ ગઠબંધન તોડવા માંગતા નથી કારણ કે પંજાબમાં BSPનો સારો પ્રભાવ છે. સુખદેવ સિંહ ઢિંડસાનું જૂથ પણ અકાલી દળમાં જોડાય તેવી ચર્ચા છે. જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે નવા કૃષિ કાયદા લાવી હતી, ત્યારે અકાલી દળે તેના વિરોધમાં NDA સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. તે પછી અકાલી દળે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી.

જ્યારે, અકાલી નેતાઓનો આરોપ છે કે ભાજપે પંજાબમાં અકાલી દળને નબળું પાડવાનો પ્રયાસ પણ કર્યો છે. ભાજપે અકાલી દળના નારાજ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા જેથી અકાલીની વોટબેંક તેમાં ટ્રાન્સફર થઈ શકે. જલંધર લોકસભા પેટાચૂંટણીમાં પણ ભાજપે ચરણજીત સિંહ અટવાલના પુત્ર ઈન્દર સિંહ અટવાલને ઉમેદવાર બનાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button