જો તમારા માતા-પિતા મને મત ન આપે તો ખાવાનું બંધ કરી દેજોઃ શિંદેજૂથના નેતાનો બફાટ, ECની માર્ગદર્શિકાના ઉલ્લંઘન નો આક્ષેપ

મુંબઈઃ બે-ત્રણ દિવસ અગાઉ ઈલેક્શન કમિશને (Election commision) સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં કોઈપણ રીતે બાળકોનો ઉપયોગ કરવો નહીં, પણ શિંદેજૂથના એક વિધાનસભ્યએ તો બાળકોને એવી સલાહ આપી છે કે તેની ટીકા જ કરી શકાય.
મહારાષ્ટ્રની કલામનુરી વિધાનસભાના ધારાસભ્ય સંતોષ બાંગરે (Santosh bangar)તાજેતરમાં જ હિંગોલી જિલ્લામાં જિલ્લા પરિષદ શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં ધારાસભ્યએ બાળકોને કહ્યું કે જો તમારા માતા-પિતા મને આગામી ચૂંટણીમાં વોટ નહીં આપે તો બે દિવસ સુધી ભોજન ન કરતા. જો તમારા માતા-પિતા પૂછે કે તમે ભોજન કેમ નથી ખાતા, તો તેમને કહો કે સંતોષ બાંગરને મત આપો તો જ અમે ભોજન કરીશું. જ્યારે શિવસેના (Shivsena)ના ધારાસભ્ય બાળકોને આ બધું કહી રહ્યા હતા ત્યારે કોઈએ તેનો વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંતોષ બાંગરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હાલમાં જ ચૂંટણી પંચે બાળકોને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ કરવા વિરુદ્ધ માર્ગદર્શિકા જાહેર કરી છે.
શરદ પવારની એનસીપીના પ્રવક્તા ક્લાર્ઈડ ક્રાસ્ટોએ બાંગર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. બાંગરનો આ બફાટ વિરોધપક્ષ વખોડી રહ્યો છે.
કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીએ શિવસેનાના ધારાસભ્ય સામે કાર્યવાહીની માંગ કરી છે. એનસીપી-શરદ પવારના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ કહ્યું કે બાંગરે બાળકોને જે પણ કહ્યું તે ચૂંટણી પંચની માર્ગદર્શિકા વિરુદ્ધ છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે પણ સંતોષ બાંગર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે પૂછ્યું કે શું રાજ્યના શિક્ષણ પ્રધાન ઊંઘતા હતા જ્યારે તેમની પાર્ટીના ધારાસભ્યો શાળાના બાળકો સાથે આવી વાત કરી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર સંતોષ બાંગર પહેલા પણ પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં આવી ચુક્યા છે. ગયા મહિને જ તેમણે કહ્યું હતું કે જો 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન તરીકે ચૂંટાયા નથી, તો તેઓ પોતાને ફાંસી આપી દેશે. ગત વર્ષે તેમની સામે રેલી દરમિયાન તલવાર બતાવવાની ફરિયાદ નોંધાઈ હતી. સંતોષ બાંગર પર વર્ષ 2022માં કેટરિંગ મેનેજરને થપ્પડ મારવાનો પણ આરોપ છે.