કપરો સમય ક્ષણિક જ હોય છે-તેને જીવી જાવ!
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
દિવાળીના ખુશીના દિવસોમાં છાપાંઓમાં યુવાન-યુવતીઓના આપઘાતના સમાચારો વાંચીને બહુ દુ:ખ થાય છે. ૨૧મી સદીમાં એક વાત તો બહુ સ્પષ્ટ છે કે ભણતર, કારકિર્દી, ધંધો, વ્યવસાય કે સ્પોર્ટસમાં હરીફાઇ વધી ગઇ છે, જીવનમાં આજથી ૪૦ કે ૫૦ વર્ષ પહેલા એક સુખી જિંદગી જીવવા માટે જે જરૂરિયાતો હતી તે કેટલા ગણી વધી ગઇ છે કે તેનું ગણિત બેસાડાતું નથી.
આજના સ્કૂલ, હાઇસ્કૂલ કે કૉલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ ઉપર પરીક્ષામાં નંબર્સ મેળવવાનું એટલું પ્રેસર હોય છે કે કેટલાક નબળા મનના તેમાંથી હતાશામાં આપઘાત કરી છુટકારો મેળવે છે. યુવાન યુવતીઓની આ પરિસ્થિતિ માટે મા-બાપ, શિક્ષણ સિસ્ટમ, નસીબ કે સમાજને દોષ દેવાનો કોઇ મતલબ નથી કારણકે આપણે બધા હવે આ એક મેડ રેટ રેસના હિસ્સા જ છીએ, પરંતુ તેનો સામનો કરવો જરૂરી છે, આપણા સૌના જીવનમાં કયારેક એ નબળી પળ આવે છે કે જયારે આપણે આપણું માનસિક સંતુલન ખોઇ બેસીએ છીએ અને બહુ દુ:ખદ નિર્ણયો લઇએ છીએ. પછી તે ભણતરના, છૂટાછેડાના, રોકાણ ફૂંકી મારવાના, દેવાના ડુંગરમાં કે નોકરી વ્યવસાયમાં નિષ્ફળતાને લગતા હોય શકે પણ તેમ જ સમયે શાંતી જાળવવી બહુ જરૂરી હોય છે, આ નબળી પળ જ જીવી જવાની જરૂર છે એ તમે જીવી ગયા તો બાદશાહ!!, તમે અનુભવશો કે જે નેગેટીવ પિકચર આ નબળી પળ દરમિયાન જોયેલું તેે કયારેય વાસ્તવિકતામાં પલટાતું જ નથી!!
આ નબળી ઘડીના સમયે સમાજમાં મારું શું થશે, લોકો શું કહેશે, મારી કેરિયરમાં કાળો ડાઘ લાગી જશે, લોકોને કેવી રીતે મોઢું બતાવીશ તેવા માયકાંગલા વિચારો છોડીને તમારે કાર્યમાં ઊંડા પરોવાઇ જવાની જ જરૂર છે અને આ સમયે મને યાદ આવે છે એક અભૂતપૂર્વ ઘટના.
ઇત્ઝેક પર્લમેન : ઇઝરાયલમાં જન્મેલ અને ૪ વર્ષની ઉંમરથી પોલિયો પીડિત પર્લમેનને નાનપણમાં રેડિયો પર શાસ્ત્રીય મ્યુઝિક સાંભળવાનો બહુ શોખ હતો અને તેમાંથી તેણે પ્રેરણા લઇને સંગીતકાર થવાનું નક્કી કર્યું. ઇઝરાયલમાં વાયોલિન ઉપર મ્યુઝિક બજાવવાની તાલીમ લીધી, પર્લમેનએ એમ કયારેય ના વિચાર્યું કે ભગવાને તેને કેમ પોલિયો પીડિત બનાવ્યો છે, એમ પણ ના વિચાર્યું કે પોલિયોથી તેની કેરિયર નહીં બને તે હંમેશાં એમ જ વિચારતો હતો કે ભગવાને તેને મોકો આપ્યો છે કે જેમાં તેને રસ છે તે શાસ્ત્રીય સંગીતમાં જ તે તેની કેરિયર બનાવશે. જો તે સશક્ત હોતે તો શાસ્ત્રીય સંગીત માત્ર હોબીજ રહી જાતે અને તેને પોતાના નોકરી કે વ્યવસાયમાંથી સંગીતમાં પારંગત થવા નહીં મળતે.
ઇઝરાયલમાં શાસ્ત્રીય સંગીતની તાલીમ લઇને સ્થાનિક પ્રોગ્રામો આપીને તેણે અમેરિકા જઇને વાયોલિનમાં શાસ્ત્રીય સંગીત વગાડવામાં પારંગત થવાનું નક્કી કર્યું. અમેરિકા જઇને વિદ્યા હાંસીલ કરીને તેણે પ્રોગ્રામો આપવાના શરૂ કર્યા અને તેના સંગીતને લોકો પસંદ કરવા લાગ્યા. તેને સંગીતની દુનિયાનો વિશ્ર્વ વિખ્યાત ગ્રેમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા. એપ્રિલ ૧૯૮૦ના ન્યૂઝવીક મૅગેઝિનમાં તેની તસ્વીર મુખપૃષ્ઠ પર હતી અને તેની ગણના વિશ્ર્વના શ્રેષ્ઠ વાયોલિન વાદકોમાં થવા લાગેલી હતી.
તૂટતો તાર અને જિંદગીની પરીક્ષા : ૧૮ નવેમ્બર ૧૯૯૫ના રોજ ન્યૂયોર્કના લિન્કન સેન્ટરમાં પર્લમેનનો સંગીતનો જલસો હતો. પર્લમેનને સ્ટેજ ઉપર આવવામાં બહુ તકલીફ પડતી હોય છે કારણકે ગળામાં વાયોલિન અને બન્ને હાથમાં કલચીસથી સ્ટેજ ઉપર પહોંચતા તે થાકી જતા અને ત્યારબાદ તેના કલચીસને તેની ખુરશી નીચે છુપાવીને સ્વસ્થ થઇને વાયોલિન વગાડતા બહુ સમય લાગતો પણ અમેરિકાની શિસ્તબદ્ધ સંગીત રસિયાઓ તેના માટે કોઇ પણ જાતની કમ્પ્લેઇન નહીં કરતા. પર્લમેનની એક જ શર્ત રહેતી કે તેઓ જયારે વાયોલિન વગાડતા હોય ત્યારે દર્શકોએ અંદરોઅંદર વાતો કરીને તેને ખલેલ નહીં પહોંચાડવાની નહીંતર એવા દર્શકોને હોલની બહાર ખદેડવામાં આવશે.
૧૮ નવેમ્બર ૧૯૮૫ના દર્શકો પર્લમેનના ફરી એક વાર મંત્રમુગ્ધ સંગીતના જલસા માટે તૈયાર હતા અને તેણે સંગીત વગાડવાનું પણ શરૂ કર્યું, ત્યાં તો હોલમાં કોઇ મોટો ધડાકો થાય તેવો અવાજ થયો અને લોકો ચારે તરફ જોવા લાગ્યા કે શું થયું પણ પર્લમેનને ખબર હતી કે શું થયું તેના વાયોલિનના ૪ તારોમાંનો એક તાર તૂટી ગયો હતો. પર્લમેન સાથે બેસેલા તેના સાથીઓએ તેને ઇશારો કરીને સમજાવ્યા કે પ્રોગ્રામ પડતો મુકવો જરૂરી છે કારણકે બીજું વાયોલિન મેળવતા સમય લાગશે અથવા એનાઉન્સમેન્ટ કરવામાં આવે કે આ પ્રોગ્રામ મોડો શરૂ થશે અથવા બીજા દિવસે થશે પણ પર્લમેનએ આ કોઇ પણ જાહેરાત કરવાની ના પાડી અને વાયોલિનના ૩ તાર સાથે સંગીત શરૂ કર્યું, પર્લમેન જાણતા હતા કે ૩ તારથી વાયોલિનમાંથી સૂર કાઢવા મુશ્કેલ છે. પણ તેમણે હિંમત નહીં હારતા વાયોલિન વગાડવાનું ચાલુ રાખ્યું અને જ્યારે જલસો પૂરો થયો ત્યારે શ્રોતાઓએ ઊભા થઇને તેનું અભિવાદન કર્યું કારણકે આ સંગીત તેની કારકિર્દીનું શ્રેષ્ઠ સંગીત હતું.
જયારે જલસો પૂરો થયો ત્યારે એક શ્રોતા કે જેને ખબર હતી કે વાયોલિનનો એક તાર તૂટી ગયો છે અને પર્લમેન ૩ તારથી જ વાયોલિન વગાડતા હતા તેણે પ્રશ્ર્ન કર્યો કે તેઓનું રેપ્યુટેશન એટલું મોટું છે કે જો તેણે સાચું કારણ લોકોને જણાવેલું હોતે તો શ્રોતાઓમાં શાંતીથી તેનો સ્વીકાર કરતે અને કાં તો પ્રોગ્રામ લેટ શરૂ થવાની રાહ જોતે અથવા બીજા દિવસના ઓપ્શન માટે તૈયાર રહે તે, પર્લમેને જણાવ્યું કે શ્રોતાઓને મ્યુઝિકનો આનંદ ત્યારે આવે જયારે તેઓ પૈસા ખર્ચીને પ્રોગ્રામ જોવાનો મૂડ બનાવે અને સાચા સંગીતકારની એ પહેચાન છે કે તેના પાસે જે પણ સાધનો છે તેનાથી ઉત્તમ સંગીત પીરસે!
વિદ્યાર્થીઓ, બિઝનેસમેન, પ્રોફેશનલ્સ, સ્પોર્ટસમેન કે અન્યોની જિંદગીમાં પણ એવા પ્રસંગો આવે કે જિંદગીનો એકાદ સેટબેક આવે કે જેનાથી એકાદ તાર તૂટી જાય પણ તેનો અફસોસ કરવાના બદલે જિંદગીના બાકીના જે તારો રહી ગયા છે તેના પાવરને જો મજબૂત બનાવવામાં આવે તો આવા એકાદ તારની ખામી નાબૂદ કરી શકાય જરૂર છે માત્ર આપણા પાવરમાં વિશ્ર્વાસ રાખવાની.
જિંદગીમાં આવતા સેટબેકને હાઇવે પર આવતા ડાયવર્ઝનની જેમ સમજવાની જરૂર છે જેમ ડાયવર્ઝન આવતા આપણે થોડા સમય માટે થોડા અનકમ્ફર્ટેબલ રસ્તે ગાડી ચલાવીને ફરી હાઇવે પર આવી જઇએ છીએ અને મંઝિલ છોડી નથી દેતા તેવું જ જીવનમાં છે તકલીફોને ડાયવર્ઝન સમજીને સુખી જીવનની ગાડી પાછી ફેરવવાની કે જર્ની પૂરી કરવાના બદલે તેને ફરી હાઇવે પર લાવી શકાય છે, કારણકે “ઇન લાઇફ ગોડ ડઝ નોટ ગીવ યુ ધ લાઇફ યુ વોન્ટ પીપલ યુ લાઇક, ઇનસ્ટેડ હી ગીવ્ઝ યુ ધ પીપલ યુ નીડ ટુ ટીચ યુ, ટુ હર્ટ યુ, ટુ ટેસ્ટ યુ ફોર લાઇફ ટુ કમ આઉટ ઓફ પ્રોબ્લેમ્સ વીથ ફલાઇંગ કર્લ્સ!!