વેપાર અને વાણિજ્ય

સોનામાં લગ્નસરાની માગનો સળવળાટ, ચાર મહિના પછી વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ભાવ પ્રીમિયમમાં

કોમોડિટી -રમેશ ગોહિલ

આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં અપેક્ષાનુસાર આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા પર પાણી ફરી વળતાં ગત સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીનાં બૉન્ડની યિલ્ડ અથવા તો ઊપજમાં વધારો થવાથી વૈશ્ર્વિક સ્તરે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા અને ભાવમાં સાપ્તાહિક ધોરણે ૦.૮ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિકમાં પણ સોનાના ભાવ દબાણ હેઠળ રહેવાને કારણે સોનામાં ઘટ્યા મથાળેથી પ્રવર્તમાન લગ્નસરાની માગનો સળવળાટ થતાં છેલ્લાં ચાર મહિનામાં પહેલી વખત સ્થાનિકમાં સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ બે ડૉલર આસપાસના પ્રીમિયમમાં ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ભાવ ઔંસદીઠ ચાર ડૉલર ડિસ્કાઉન્ટમાં ક્વૉટ થઈ રહ્યા હતા.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. ૬૩,૧૪૨ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૬૨,૬૨૫ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૬૨,૫૧૨ અને ઉપરમાં રૂ. ૬૨,૬૪૬ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૮ અથવા તો ૦.૮૨ ટકા ઘટીને રૂ. ૬૨,૬૨૪ના મથાળે બંધ રહ્યા હતા. એકંદરે સપ્તાહ દરમિયાન ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી પ્રવર્તમાન લગ્નસરાની માગનો સળવળાટ શરૂ થવાની સાથે સાથે જ્વેલરી ઉત્પાદકોની પણ માગ ખૂલી હોવાનું એક ડીલરે જણાવતાં ઉમેર્યું હતું કે નીચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો પણ લગડી અને સિક્કાઓમાં છૂટીછવાઈ લેવાલી જોવા મળી હતી. જોકે, વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત થવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી સ્થાનિકમાં આયાત પડતરો વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.

ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ફુગાવામાં અપેક્ષિત ઘટાડાનો વિશ્ર્વાસ ન જણાય ત્યાં સુધી વ્યાજદરમાં કાપ મૂકવાની ઉતાવળ કરવામાં નહીં આવે એવું જણાવતાં રોકાણકારોની માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની ધારણા પર પાણી ફરી વળ્યું હતું અને ડૉલર તથા ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, મધ્યપૂર્વનાં દેશોમાં વધી રહેલા તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ છતાં હાજર ભાવમાં સાપ્તાહિક ધોરણે ૦.૮ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. વધુમાં ગત નવમી ફેબ્રુઆરીથી સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં નવાં લ્યુનાર વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે જે આગામી ૧૬ ફેબ્રુઆરી સુધી ચાલે તેમ હોવાથી આગામી સપ્તાહ દરમિયાન સોનામાં એકંદરે માગ મર્યાદિત રહેવાની શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ગત સપ્તાહે ચીનમાં લ્યૂનાર વર્ષની રજા પૂર્વે સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૩૬થી ૪૮ ડૉલર આસપાસનાં પ્રીમિયમમાં ક્વૉટ થઈ રહ્યા હતા.

સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ તાજેતરમાં ચીનમાં નવાં લ્યૂનાર વર્ષની ઉજવણી નિમિત્તે આગામી સપ્તાહ દરમિયાન રજાનો માહોલ છે અને આગામી ૧૬મી ફેબ્રુઆરી સુધી શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ બંધ રહેવાનું હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ હોવાથી સોનાના ભાવ ઊંચી સપાટીએ જળવાઈ રહે તેવી શક્યતા ધૂંધળી છે, પરંતુ મધ્યપૂર્વનાં દેશોના તણાવને ધ્યાનમાં લેતા છૂટીછવાઈ સલામતી માટેની માગનો ટેકો મળતો રહે તેવી શક્યતા એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે વ્યક્ત કરી હતી. હમાસનાં શાંતિ પ્રસ્તાવને ઈઝરાયલે નકારી કાઢવાની સાથે સરહદી શહેર રફાહ પર ઈઝરાયલી દળોએ બોમ્બમારો કરતાં તંગદીલીમાં વધારાની ભીતિ સપાટી પર આવી હોવાનું તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર આગામી મંગળવારે જાહેર થનારા ડિસેમ્બર મહિનાના અમેરિકાનાં ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે. જોકે, તાજેતરમાં અમેરિકાનાં આર્થિક ડેટાઓ પ્રોત્સાહક આવી રહ્યા હોવાથી સોનામાં મોટી તેજીની શક્યતા નથી તે જોતા અમારા મતે આગામી સપ્તાહે વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૨૦૧૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ઔંસદીઠ ૨૦૬૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧,૭૦૦થી ૬૩,૫૦૦ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ વધીને બે સપ્તાહની ઊંચી અને બે વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલાબંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૨૨.૮૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ૨૦૩૮.૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સપ્તાહ દરમિયાન હાજર ભાવમાં ૦.૮ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. હવે રોકાણકારોની નજર આગામી મંગળવારે જાહેર થનારા અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ છે. જો ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે તો પુન: વ્યાજદરમાં વહેલાસર કપાતની શક્યતા સપાટી પર આવતા સોનામાં સુધારો આવશે અન્યથા પુન: ભાવ દબાણ હેઠળ આવશે.જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલમાં ફેડરલ રિઝર્વ આગામી મે મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ૬૧ ટકા શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

સોમવારથી ખૂલતા રહેલા સૉવરિન ગોલ્ડ બૉન્ડના ભરણાના ભાવ ગ્રામદીઠ ₹ ૬૨૬૩
મુંબઈ: આગામી સોમવારથી પાંચ દિવસ માટે ખૂલી રહેલા વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની ચોથી સિરિઝનાં સૉવરિન ગોલ્ડ બૉન્ડનાં ભરણા માટેના ભાવ ગ્રામદીઠ રૂ. ૬૨૬૩ નિર્ધારિત કરવામાં આવ્યા હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું છે.

એકંદરે બૉન્ડના ભાવ ગ્રામદીઠ રૂ. ૬૨૬૩ નિર્ધારિત કરવામાં આવ્યા છે, પરંતુ ભારત સરકારે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા સાથે સલાહમસલત કરીને ડિજિટલ ધોરણે રોકાણ માટે અરજી કરનાર રોકાણકારોને ગ્રામદીઠ રૂ. ૫૦નું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે. આમ ડિજિટલ ધોરણે રોકાણ કરનાર માટેનાં ભાવ ગ્રામદીઠ રૂ. ૬૨૧૩ રહેશે. સૉવરિન ગોલ્ડ બૉન્ડનું વેચાણ શિડ્યુઅલ કૉમર્શિયલ બૅન્ક (સ્મોલ ફાઈનાન્સ બૅન્ક, પેમેન્ટ બૅન્ક અને પ્રાદેશિક ગ્રામીણ બૅન્ક સિવાયની), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિ., ક્લિયરિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિ., અધિકૃત પોસ્ટ ઑફિસો, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિ. અને બૉમ્બે સ્ટોક એક્સચેન્જ લિ. મારફતે કરવામાં આવશે. સૉવરિન ગોલ્ડ બૉન્ડના ભાવ ભરણું શરૂ થવાની પૂર્વનાં ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જાહેર કરવામાં આવતા ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના છેલ્લા ત્રણ દિવસનાં બંધ ભાવની સરેરાશને આધારે નિર્ધારિત કરવામાં આવે છે. વધુમાં સૉવરિન ગોલ્ડ બૉન્ડમાં રોકાણકારોને ભરણાના ભાવથી વર્ષે ૨.૫૦ ટકાના દરે વર્ષમાં બે વખત વળતર પણ આપવામાં આવે છે. સૉવરિન ગોલ્ડ બૉન્ડમાં વ્યક્તિગત, એચયુએફ અને ટ્રસ્ટ માટે રોકાણની મહત્તમ મર્યાદા પ્રત્યેક નાણાકીય વર્ષ માટે અનુક્રમે ચાર કિલોગ્રામ, ચાર કિલોગ્રામ અને ૨૦ કિલોગ્રામની નિર્ધારિત કરવામાં આવી છે. તેમ જ સામાન્યપણે સૉવરિન ગોલ્ડ માટે રોકાણની સમયમર્યાદા આઠ વર્ષની છે, પરંતુ પાંચમાં વર્ષ પછી મુદ્દત પૂર્વે રોકાણ છૂટું કરવાનો રોકાણકારને વિકલ્પ હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?