લોકસભાની ચૂંટણી પહેલાં સીએએ લાગુ પાડવામાં આવશે: અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપના પ્રચંડ વિજયને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું ભાજપનો ૩૭૦ બેઠકો પર ભગવો લહેરાશે અને ભાજપની આગેવાની વાળા ગઠબંધન એનડીએને ૪૦૦થી વધુ બેઠકો પરથી વિજય મળશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ ત્રીજીવાર પોતાની સરકાર બનાવશે. તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીના પરિણામો લઈને કોઈ સસ્પેન્સ નથી અને કૉંગ્રેસ સહિત વિપક્ષોને પણ અહેસાસ થઈ ગયો છે કે તેઓને ફરીથી વિપક્ષમાં જ બેસવાનું છે.
સીએએ (નાગરિક સુધારા ધારા)ને લઈને અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે કે ૨૦૧૯માં આવેલ કાયદાને લોકસભાની ચૂંટણી પહેલા જ લાગુ કરી દેવામાં આવશે. સીએએને લઈને તેમણે વધુમાં કહ્યું કે આપણાં મુસ્લિમ ભાઈઓને આ કાયદાને લઈને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, ભડકાવવામાં આવી રહ્યા છે. નાગરિક (સંશોધન) અધિનિયમ માત્ર તેવા લોકોને નાગરિકતા આપવા માટે છે જેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અને બંગલાદેશમાં ઉત્પીડનનો સામનો કરીને ભારતમાં આવ્યા છે. આ કાયદાઓ કોઈ ભારતીયની નાગરિકતા છીનવી લેવા માટે નથી જમ્મુ કશ્મીરને લઈને તેને કહ્યું કે વિશેષ રાજ્યોનો દરજ્જો આપનારી બંધારણની ૩૭૦ની કલમને દૂર કરી છે, એટલે અમને ભરોસો છે કે દેશની જનતા પણ ભાજપને ૩૭૦ અને ૪૦૦થી વધુ બેઠકો પર જીત અપાવીને પોતાનો આશીર્વાદ આપશે.
અમિત શાહે કહ્યું કે લોકસભાની ચૂંટણી ‘ઈન્ડિયા’ ગઠબંધન અને વિપક્ષો સાથે નહીં પરંતુ વિકાસ અને માત્ર નારા લગાવનારાઓ સામે હશે. જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર સવાલ કરવામાં આવ્યા ત્યારે તેને કહ્યું કે નેહરુ-ગાંધીના વંશજોએ આવા પ્રકારની યાત્રાઓ કરવાનો કોઈ જ અધિકાર નથી કારણ કે ૧૯૪૭માં દેશના વિભાજનમાં તેની પાર્ટી જ જવાબદાર હતી.
રામમંદિર અંગેનો કોર્ટનો ચુકાદો દેશની બિનસાંપ્રદાયિકતાનું પ્રતિબિંબ: ગૃહપ્રધાન
નવી દિલ્હી: કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિરના નિર્માણના પ્રકરણમાં સમાજના દરેક વર્ગને સાથે રાખ્યા હતા અને સર્વોચ્ચ અદાલતનો સંબંધિત ચુકાદો દેશની બિનસાંપ્રદાયિકતાનું પ્રતિબિંબ છે અને હવે ભારત વિશ્ર્વગુરુ બનવાની દિશામાં ઝડપથી આગળ વધવા લાગ્યું છે.
તેમણે અયોધ્યામાંના રામમંદિરના નિર્માણ અને ગઇ ૨૨ જાન્યુઆરીએ યોજાયેલા રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ અંગે લોકસભામાં યોજાયેલી ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે દુનિયાના અન્ય કોઇ દેશમાં બહુમતી કોમના લોકોએ ન્યાય મેળવવા માટે ક્યારેય આટલા બધા લાંબા સમય સુધી રાહ જોવી નથી પડી.
અમિત શાહે રામમંદિરના નિર્માણ માટેની ચળવળમાં ભાગ લેનારા વિવિધ વર્ગના લોકોના યોગદાનની પ્રશંસા કરી હતી. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટેનું આંદોલન ૧૫૨૮માં શરૂ થયું હતું, જ્યારે કાનૂની જંગ ૧૮૫૮માં શરૂ થયો હતો. આ ચળવળનો અંત ગઇ ૨૨મી જાન્યુઆરીએ આવ્યો હતો. તે દિવસે મહાન ભારતની નવી યાત્રાનો પ્રારંભ થયો હતો. મોદીએ પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા ૧૧ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા અને અન્ય ધાર્મિક પરંપરાનું પાલન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારે અન્ય કોમના લોકોના લાભાર્થે પણ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મુકાવા સહિત વિવિધ કાર્ય કર્યા હતા. ભાજપ અને તેના નેતા મોદી પોતાના વચન પૂરા કરે જ છે.
કેન્દ્રના ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિને રામાયણના કાળથી અલગ કરી ન શકાય. ભારતે ૨૨ જાન્યુઆરીએ વિશ્ર્વગુરુ બનવાની દિશામાં આગળ વધવાની ગતિ ઝડપી કરી હતી. અમને ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં મોદીના નેતૃત્વ હેઠળની એનડીએના ભવ્ય વિજયનો વિશ્ર્વાસ છે.
તેમણે જણાવ્યું હતું કે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં કોઇએ રાજકીય સૂત્રોચ્ચાર નહોતો કર્યો. રામમંદિરના નિર્માણ માટે અગાઉ નીકળેલી ‘રથયાત્રા’માં લાલકૃષ્ણ અડવાણીએ ‘સારથિ’ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
રામમંદિર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક: ઓમ બિડલા
નવી દિલ્હી : લોેકસભાના સ્પીકર ઓમ બિડલાએ અયોધ્યામાં રામ મંદિરના બાંધકામને ઐતિહાસિક સિદ્ધિ ગણાવતા કહ્યું હતું કે અ ેભાવિ પેઢીને આશા અને એકતાના મૂલ્યો આપશે. લોકસભાએ શનિવારે રામ મંદિર પર એક ઠરાવ પસાર કર્યો હતો. ગૃહમાં શ્રીરામ મંદિરના બાંધકામ અને શ્રી રામ લલાની પ્રાણપ્રતિષ્ઠા પરના ચાર કલાકની ચર્ચાબાદ એક ઠરાવ વાંચતા તેમણે કહ્યું હતું કે સદીઓ સુધી રાહ જોયા બાદ અયોધ્યાના રામ મંદિરે સુવહીવટ અને લોકકલ્યાણના નવા યુગમાં લઈ જશે. ઠરાવ મૂકતાં બિડલાએ કહ્યું હતું કે મંદિર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના જુસ્સાનું પ્રતીક છે. (એજન્સી)
(એજન્સી)