આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં ‘ધાંધિયા’ અપરંપાર: અનેક ટ્રેન રદ

મોટરમેન ‘રનઓવર’નો ભોગ બન્યો અને પ્રવાસીઓને હાલાકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ રેલવેમાં ટ્રેન અકસ્માતનો ભોગ પ્રવાસીઓની સાથે રેલવેના કર્મચારીઓ બની રહ્યા છે એ ચિંતાની બાબત છે. શુક્રવારે મધ્ય રેલવેમાં મોટરમેન અકસ્માતનો ભોગ બનતા સંગઠને રેલવે પ્રશાસનની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ગઈકાલે મોટરમેનનું ટ્રેન અકસ્માતમાં મોત થયા પછી આજે તેની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં મોટરમેનોએ ભાગ લેતા સેંકડો ટ્રેન રદ કરતા તેના ભોગ પ્રવાસીઓ બન્યા હતા.

શુક્રવારે બપોરે ભાયખલા અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનની વચ્ચે કથિત રીતે મોટરમેન પૂરપાટ ટ્રેનની ટક્કર વાગી હતી, જેમાં મોટરમેનનું મોત થયું હતું. મૃતકની ઓળખ મુરલીધર શર્મા (૫૪) તરીકે કરી હતી. શર્મા ૨૦૦૨માં ગૂડ્સ ટ્રેનના ડ્રાઈવર તરીકે મધ્ય રેલવેમાં જોઈન થયા હતા, ત્યારબાદ નવેમ્બર ૨૦૨૨માં મોટરમેન તરીકે પ્રમોશન મળ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના પણ કલ્યાણના રહેવાસી એવા શર્મા પર કામનું ભારણ હોવાને કારણે અકસ્માતનો ભોગ બન્યા હોવાનો સંગઠને આરોપ મૂક્યો હતો.

મધ્ય રેલવેની મેઈન સહિત હાર્બર લાઈનના મોડી સાંજ સુધીમાં સેંકડો ટ્રેન રદ કરવામાં આવી હતી, જેથી રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની હકડેઠઠ ભીડ વધી હતી. મર્યાદિત ટ્રેનોને કારણે આજનો દિવસ પ્રવાસીઓ બેહાલ રહ્યો હતો. આ મુદ્દે કલ્યાણના પ્રવાસી સુશીલ પાંડેએ કહ્યું હતું કે દિવસે દિવસે રેલવેનો કારભાર બગડતો જાય છે અને એનું પરિણામ પ્રવાસીઓને ભોગવવું પડે છે.
મધ્ય રેલવેમાં આજે રવિવારનો દિવસ નહીં હોવા છતાં લોકલ ટ્રેનોની મર્યાદિત સર્વિસ દોડાવવાને કારણે આખો દિવસ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં ભારે હાલાકી પડી હતી. લોકલ ટ્રેનોની મર્યાદિત સર્વિસ હોવાને કારણે વહેલી સવારથી ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડતી હતી, જ્યારે શોર્ટ ડિસ્ટન્સની ટ્રેનો રદ કરવાને કારણે આજનો દિવસ પ્રવાસીઓ માટે હાલાકી ભર્યો રહ્યો હતો, એમ પ્રવાસીઓએ જણાવ્યું હતું.

મુંબઈ સબર્બન રેલવેમાં એસી લોકલની સર્વિસ વધારવામાં આવ્યા પછી ત્રણેય કોરિડોરમાં ટ્રેનોનું સમયપત્રક ખોરવાયું છે, પરંતુ આ મુદ્દે પ્રશાસન ફક્ત એનાઉન્સમેન્ટ કરવા સિવાય ઉકેલ લાવવામાં સંદતર નિષ્ફળ રહ્યું છે. લોકલ ટ્રેનોની વધતી અનિયમિતતા મુદ્દે હવે પ્રવાસી સંગઠને નારાજગી વ્યક્ત કરી હતી.

પશ્ચિમ રેલવેમાં પણ લોકલ ટ્રેનોનું સમયપત્રક ખોરવાયું છે. રોજ ટ્રેન વીસ મિનિટથી અડધો કલાક મોડી પડે, જ્યારે અમુક વખત છેલ્લી ઘડીએ ટ્રેનનું પ્લેટફોર્મ ચેન્જ કરવાને કારણે સિનિયર સિટિઝન સહિત પ્રવાસીઓને હાલાકી પડી રહી છે, પરંતુ રેલવે પ્રશાસન ટ્રેનોને નિયમિત દોડાવવામાં આંખ આડા કાન કરી રહ્યું છે.

આજે ત્રણેય લાઈનમાં બ્લોક
મુંબઈ: રવિવાર (૧૦ ફેબ્રુઆરી)એ પણ મધ્ય, હાર્બર, ટ્રાન્સ હાર્બર અને પશ્ર્ચિમ રેલવે માર્ગમાં વિવિધ કામકાજને લીધે બ્લોક લેવામાં આવવાનો છે. મધ્ય રેલવેમાં બ્લોક દરમિયાન માટુંગા-થાણે અપ ડાઉન માર્ગ પર આવતીકાલે સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૩૫ વાગ્યા સુધી તેમ જ મધ્ય રેલવેના હાર્બર માર્ગના પનવેલ-વાશી અપ-ડાઉન લાઇનમાં પણ સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૪.૦૫ વાગ્યા સુધી કામકાજને લીધે બ્લોક લેવાનો નિર્ણય રેલવે પ્રશાસને લીધો છે.
રેલવે પ્રશાસનની માહિતી મુજબ મધ્ય રેલવેમાં બ્લોક દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી સવારે ૧૦.૧૪ વાગ્યાથી બપોરે ૩..૦૯ વાગ્યા દરમિયાન રવાના થતી બધી સ્લો લોકલ ટ્રેનોને માટુંગા અને થાણે સ્ટેશન દરમિયાન ડાઉન ફાસ્ટ માર્ગ પર ડાઇવર્ટ કરવામાં આવશે અને સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ અને થાણે સ્ટેશન પર દરેક ટ્રેનોને હોલ્ટ આપવામાં આવશે.
કલ્યાણથી સવારે ૧૦.૨૫ થી બપોરે ૩.૧૦ વાગ્યા સુધી રવાના થતી સ્લો ટ્રેનોને થાણેથી માટુંગા વચ્ચે અપ ફાસ્ટ લાઇનમાં દોડાવવામાં આવશે, જેથી અપ માર્ગની લોકલ ટ્રેનો માત્ર થાણે, મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને સાયન સ્ટેશન પર થોભશે અને આગળ માટુંગા પછી ફરી ટ્રેનો અપ સ્લો માર્ગમાં ડાઇવર્ટ થશે.
મધ્ય રેલવેના અપ અને ડાઉન બંને લાઇન પર બ્લોકને કારણે ટ્રેનો ૧૫-૨૦ મિનિટ સુધી મોડી દોડશે અને સીએસએમટી/દાદરથી રવાના થતી મેલ એક્સ્પ્રેસ ટ્રેનોને વિદ્યાવિહાર-થાણેથી દીવા સ્ટેશન દરમિયાન પાંચમાં લાઇનમાં અને દાદર-સીએસએમટી દરમિયાન અપ માર્ગની ટ્રેનોને કલ્યાણ અને વિક્રોલી દરમિયાન છઠ્ઠી લાઇનમાં દોડાવવામાં આવશે.
બ્લોક પહેલા સીએસએમટીથી છેલ્લી લોકલ સવારે ૯.૫૩ વાગ્યે અને બ્લોક પછીની પહેલી લોકલ બપોરે ૩.૧૮ વાગ્યે છૂટશે અને તેમ જ બ્લોક પહેલા કલ્યાણથી છેલ્લી લોકલ સવારે ૯.૫૫ વાગ્યે અને બ્લોક પછીની પહેલી લોકલ બપોરે ૩.૨૪ વાગ્યે રવાના થશે.
પશ્ર્ચિમ રેલવેમાં સિગ્નલ, ટ્રેક અને ઓવર હેડ વાયરના મેન્ટેનન્સના કામકાજને લીધે પાંચ કલાકનો જમ્બો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. ૧૧ ફેબ્રુઆરી રવિવારે સવારે ૧૦ વાગ્યાથી બપોર ત્રણ વાગ્યા સુધીના આ બ્લોકને લીધે સાંતાક્રૂઝથી ગોરેગામ દરમિયાન અપ અને ડાઉન માર્ગની ફાસ્ટ લાઇનને અસર થશે.
આ બ્લોક બાબતે રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે પશ્ર્ચિમ રેલવેમાં પાંચ કલાકના બ્લોકને કારણે અપ અને ડાઉન માર્ગની ફાસ્ટ લાઇન પર દોડતી ટ્રેનોને સાંતાક્રૂઝથી ગોરેગામ સ્ટેશનો દરમિયાન સ્લો લાઇન પર દોડાવવામાં આવશે. તેમ જ અમુક લોકલ ટ્રેનો રદ રહેશે. બ્લોકને કારણે અંધેરી અને બોરીવલી ટ્રેનોને પણ ગોરેગામના હાર્બર લાઇન પર દોડાવવામાં આવશે.
આવતીકાલે હાર્બર માર્ગમાં પણ બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. આ બ્લોકને કારણે પનવેલથી સવારે ૧૦.૩૩ વાગ્યાથી બપોરે ૩.૪૯ વાગ્યા સુધી સીએસએમટી જનારી અને સવારે ૯.૪૪થી બપોરે ૩.૧૨ વાગ્યા સુધી સીએસએમટીથી પનવેલ/બેલાપુર જનારી લોકલ સેવાને બંધ રહેશે. તેમ જ પનવેલથી સવારે ૧૧થી બપોરે ૩૩.૫૦ વાગ્યા સુધી થાણે જતી અપ હાર્બર ટ્રેનને અને થાણેથી સવારે ૧૦થી બપોરે ૩.૨૦ વાગ્યા સુધી પનવેલ જતી ડાઉન હાર્બરમાં લોકલ ટ્રેનની સેવાને બંધ કરવામાં આવવાની છે.
ડાઉન હાર્બરમાં બ્લોક પહેલાની છેલ્લી લોકલ સવારે ૯.૩૦ વાગ્યાથી સીએસએમટીથી છૂટશે અને બ્લોક પછી સીએસએમટીથી પહેલી લોકલ બપોરે ૩.૧૬ વાગ્યે છૂટશે. આ સાથે ડાઉન માર્ગમાં સીએસએમટીથી છેલ્લી લોકલ સવારે ૧૦.૧૭ વાગ્યે અને પહેલી લોકલ સવારે ૪.૧૦ વાગ્યે ઉપડશે.
બ્લોકને લીધે ટ્રાન્સહાર્બર લાઇનની સેવાને પણ અસર થઈ છે. જેમાં ડાઉન ટ્રાન્સહાર્બર માર્ગમાં બ્લોક પહેલા પનવેલ જતી છેલ્લી લોકલ સવારે ૯.૩૯ વાગ્યે અને બ્લોક પછીની પહેલી લોકલ બપોરે ચાર વાગ્યે શરૂ થશે. તેમ જ અપ ટ્રાન્સહાર્બરમાં બ્લોક પહેલા પનવેલથી થાણે જતી છેલ્લી લોકલ સવારે ૧૦.૪૧ વાગ્યે અને પહેલી લોકલ બપોરે સાંજે ૪.૨૬ વાગ્યે રવાના થશે. બ્લોક દરમિયાન સીએસએમટી-વાશી માર્ગમાં અમુક લોકલને દોડાવવામાં આવશે અને થાણે-વાશી/નેરૂળ સ્ટેશન વચ્ચે પણ ટ્રેનોની સેવા શરૂ રાખવામાં આવી છે. બ્લોકના સમય દરમિયાન બેલાપુર-નેરૂળ અને ઉરણ દરમિયાન પોર્ટ લાઇન સેવા શરૂ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button