ઉત્સવ

હમ હૈ પ્રેમદીવાને

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

લાયન્સ જુહૂ ક્લબના હૉલમાં આજે મિત્રોની ગેટ-ટુ-ગેધર પાર્ટી છે. ત્રણ-ચાર ટેબલ ભેગા કરીને અઢારેક ખુરશીઓ ગોઠવાઈ ગઈ હતી. હોસ્ટકપલ શ્રીકાંત અને મીરાંએ આજે ચર્ચાનો વિષય રાખ્યો હતો- હમ હૈ પ્રેમદીવાને.

જ્યૂસ,ચા-કોફી અને સ્ટાર્ટરના સમોસા,વેફર કે સેવપુરીની લિજજત માણતા માણતા સહુ પોતાના અનુભવો- વિચારો મુકત રીતે કહી રહ્યા હતા. પ્રેમનો પ્રથમ રોમાંચ, સંઘર્ષ અને દાંપત્ય જીવનની સફર જેવા પોતાના અનુભવ મુક્ત મને મિત્રો કહી રહ્યા હતા.

મરીઝનો શૅર રજૂ કરતાં અજયે કહ્યું-

પ્રણયના દર્દનું બસ નામ છે નહીં તો મરીઝ,
અનેક દર્દ છે, જેની દવા નથી મળતી-
પ્રેમની પંથે મારે તો ઈશાની રાહ જ જોવાની છે. બે વર્ષ થઈ ગયાં, અમે ડેટ કરીએ છીએ પણ ખબર નથી મારી ઈશા મને કયારે મળશે. એના કમિટમેન્ટસ, એની સ્ટડી- એની કરિયર બસ, આમ જ ગાડી ચાલે છે. આય નો વી આર ઈન ગુડરીલેશન બટ ઈંતજાર કી કસોટી કેટલો સમય આપું? જુઓ, હમણાં કંપની તરફથી તેને દિલ્હી ટ્રાન્સફર મળ્યું છે.

“અજય, આવી વ્યથા આપણા પ્રેમની કસોટી ભલે કરે, પણ પ્રેમને મજબૂત બનાવે છે. વૈશાલીએ કહ્યું. અજય યુ શુડ બી સ્ટ્રોંગ પીલર ફોર વૈશાલી. મહાકવિ કાલિદાસે મેઘને દૂત બનાવતાં પોતાની વ્યથા આ રીતે પાઠવી હતી-
હું પ્રેમ, એક વંટોળ, એક ક્રાંતિ,
ક્ષણથી શાશ્ર્વત સુધીની, એક માત્ર આનંદસમાધિ,
હું વિરહ યુગોયુગોનું સત્ય ચિરંતન, સત્ય એ જ મારું શિખર.

તને ખબર છે ત્રણ વર્ષ પહેલાં મારા સુજિતનું અકસ્માતમાં નિધન થયું, એ સદેહે મારી સાથે નથી, પણ એના પ્રેમનો એ પ્રથમ સ્પર્શ- રોમાંચ હું આજે પણ અનુભવી શકું છું. એની ચેતના મારામાં અનુભવું છું.

બધા મિત્રોએ વૈશાલીની વાતને સંમતિસૂચક માથું હલાવ્યું.

વૈશાલીએ અજય સામું જોતા કહ્યું- સો, માય ડિયર, પ્રેમ એટલે પ્રિયજનની પ્રતીક્ષા. અજય તારા માટે તો ઈશાને મળવા કે કોન્ટેકટ કરવા ડિજિટલ ફેસિલિટી છે. ભૌતિક અંતર ભલે હોય “દિલસે તો સાથ સાથ હૈ-
આજની આ પાર્ટી પ્રેમના દરવાજા ખોલવા માટે જ છે. વેલેઈન્ટાઈન પ્રીપાર્ટીમાં દિલખોલીને વાત કરીએ. મીરાંએ કહ્યું.

“હું તમને કહું આ પ્રેમનો સાચો વિલન કોણ છે?એમાં કાંટા કોણ વાવે છે? સંજયે ઊભા થઈને કહ્યું.

“મેં તો હમણાં જ લૉ પાસ કરીને પ્રેક્ટિસ શરૂ કરી છે. મિત્રો તો ઘણાં છે. સખીઓ પણ ખરી. હજુ સ્પેશિયલ કહી શકાય કે જીવનસંગિની માટે પ્રપોઝ કરું એવું કોઈ નથી. જોઈંટ ફેમિલીને કારણે, આસપાસ જે કંઈ જોયું, કે કોર્ટમાં ફેમિલી ડીસ્પુટ વિશે જાણ્યું છે. મને તો સ્ત્રીપુરુષોના સંબંધો-ભગ્ન લગ્નજીવનથી જ ડર લાગે છે. કોઈએ કોઈની ગરિમા જાળવવી નથી. અંગત સ્વાર્થ. અહમ્, ખોટી શંકા,પદ-પ્રતિષ્ઠાની દોડ, ભૌતિકસુખ માટેની લાલસામાં પ્રેમનું કમળ કયાંથી વિકસે?
“સંજય, પ્રેમ વિષે તારા વિચારોમાં આજના યુગનું એક ચિત્ર છે. એ ખોટું નથી. પણ, કઈ પરિસ્થિતિમાં કોણ કેવું વર્તન કરે છે, શું નિર્ણય લે છે તે ઘણું મહત્ત્વનું છે. મોનિકાએ કહ્યું.

“મારી પાસે જોબ નથી તો હું સારી જોબ મેળવવા પ્રયત્ન કરું કે મિત્ર પાસે ઉધાર માંગુ, ચોરી કરું એ વ્યક્તિએ પોતે જ નક્કી કરવું પડે. માતા-પિતાનો નિ:સ્વાર્થ પ્રેમને હું પામી શકું છું તો અન્ય સંબંધોમાં એવી ગરિમા રાખી શકું. સંબંધો ગમે તે સ્વરૂપમાં હોય એને શ્રેષ્ઠ બનાવવા જોઈએ.

વેલેન્ટાઈન ડે આપણને પ્રેમના ઉત્તુંગ શિખરને પામવાનો સંદેશ આપે છે. પ્રેમ એટલે પૂજા. એક અસ્ખલિત પ્રવાહ જેમાં જીવનની અદ્ભુ શક્તિ રહેલી છે. જયાં મળે પ્રેમનું આકાશ અને મુક્તપાંખો તો જીવન ધન્ય થઈ જાય.’
મોનિકાએ બધા સામું નજર ફેરવતાં કહ્યું- આપણે મીરાંની જેમ વિશુદ્ધ પ્રેમ પામવાનો છે. ધ પ્યોર- પ્લેટોનીક લવ. આવા પ્રેમને આપનાર અને પામનાર બન્નેનું જીવન ધન્ય થઈ જાય.
પ્રેમને પામનારનું જીવન વસંતની જેમ મહોરી ઊઠે છે, સંઘર્ષો સામે ઝઝૂમવાનું બળ, પડકારરૂપ કાર્યને ઝીલવાની શક્તિ પણ પ્રિયજનના પ્રેમમાંથી મળે છે.
ભલેને આવે હિમશીલા તરતી કાંઠે ને,
સંબંધોના દરિયામાં ઉછળે સુનામી,
પ્રિયે તુ રહેજે સદાય મમ સંગે હસતી.
આપણે આત્મીય સંબંધોમાંથી પ્રેમના મોતીને પામવાના છે.

નિમેષે હૈયાવરાળ ઠાલવતાં કહ્યું- “આ મોતી મેળવવા મેં મારું બધું ગુમાવ્યું, પૂનમ સાથે ડાયર્વોસ થયે બે વર્ષ થયાં, મારો ધંધો બેસી ગયો. અબ યે દીવાના કહીં કા નહીં. એનો અવાજ રૂંધાઈ ગયો.

વૈશાલીએ કહ્યું- કોઈના જવાથી હતાશ થયા વગર જીવનમાં આગળ વધ. યુ ડીઝર્વ બેસ્ટ લાઈફ. અમે બધા તારી સાથે છીએ.

કોફીના ઘૂંટને પીતા પીતા પોતાના કોફીમગને મીરાં સાથે અથડાવતાં શ્રીધરે કહ્યું- મેરીડલાઈફના ત્રીસ વર્ષ અને કોલેજની મારી ગર્લફ્રેન્ડ માય વેલેન્ટાઈન ગર્લ મીરાં, યુ આર માય ગોડ ગીવન બેસ્ટ ફ્રેન્ડ. આજે ૫૫ વર્ષે પણ આય લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ.

તાળીઓના ગડગડાટથી હૉલ ગાજી ઊઠ્યો. સંજય અને અજયે જોરથી સીટી મારી.

થોડી વાર પછી શ્રીધરે કહ્યું-આમ તો વેલેન્ટાઈન ડે સાથે રોમન રાજા સામે પ્રેમ માટે બલિદાન આપનાર સેન્ટ વેલેન્ટાઈનની કરૂણ કથા છે. પણ, આપણી પૌરાણિક કથાઓમાં રુક્મિણી હરણ પ્રસંગે રુક્મિણીજીએ કૃષ્ણને લખેલા પત્રને વિશ્ર્વનો પ્રથમ પ્રેમપત્ર કહેવાય છે. દિવ્યપ્રેમને પામવાની એક ઉત્કટ ઝંખના વ્યકત થઈ છે. કૃષ્ણને વરવા રુક્મિણી કહે છે, કૃષ્ણ તમે અહીં આવો, મારું અપહરણ કરો, હું તમને મનથી વરી ચૂકી છું. અન્યથા મારો ભાઈ રુકમી મને જબરદસ્તીથી પરણાવી દેશે. પૂજા, તું આવું એક ગીત ગાય છે, તું ગા બહુ સરસ છે.
પૂજાએ ગાવાનું શરૂ કર્યું.

વિનતી સુનિયે, નાથ અમારી
હે હૃદયેશ્વર હરિ, હૃદયવિહારી—
મોરમુગુટ પિતાંબરધારી, વિનતી સુનિયે
પૂજાના ભાવવાહી સુમધુર ગીત સૌ માણી રહ્યાં.

મીરાંએ શ્રીધરને રુક્મિણીએ લખેલા અલૌકિક કૃષ્ણ પત્રને સમજાવતાં કહ્યું-મિત્રો પ્રેમનો સંબંધ આત્માની ગહનતા સાથે છે. અંતરમાંથી ઉદ્ભવતો સાચો પ્રેમ અતિશુદ્ધ અને અપેક્ષા રહિત હોવો જોઈએ.

સંબંધોના તાણાવાણામાં ગૂંથાતો પ્રેમ વિવિઘ સ્તરે વિકસે છે. અંગત કૌટુંબિક સંબંધો, સામાજિક કે વ્યવસાયિક સંબંધો. સંબંધ ગમે તે પ્રકારના હોય તેમાં સચ્ચાઈ, વિશ્ર્વસનીયતા જરૂરી છે.
કેટલાક લોકોના પ્રેમ સ્વાર્થપૂરતા, ટૂંકા ગાળાના, ગણતરીપૂર્વકના હોય છે, જે લાંબો સમય ટકતા નથી.

આપણે ઝંખીએ છીએ શ્રેષ્ઠ પ્રેમને જે સંપૂર્ણ સમર્પિત હોય, છતાં ય મુક્ત હોય. નજર સામે હોય કે જોજનો દૂર પણ હૈયે એનો ધબકાર સંભળાય. રાધા-કૃષ્ણ જેવો દિવ્યપ્રેમ કે મીરાં જેવો સમર્પિત અદ્ભુ પ્રેમ.

પ્રિયજનની લાગણીને સમજવી, તેનું આત્મ સન્માન જાળવીએ તો સંબંધો વધુ મધુર રહે છે. સુખદુ:ખના સાચા સાથી બનીને જિંદગી માણીએ એ જ સંદેશા સાથે ચાલો, થોડો મ્યુઝિક અને ડાન્સનો આનંદ માણીએ.

જબ કોઈ બાત બન જાયે, જબ કોઈ મુશ્કીલ પડ જાયે,
તુમ દેના સાથ મેરા, ઓ હમ..નવા..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…