આખરે મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા સત્તાવાર રીતે આજે આ પાર્ટીમાં જોડાયા
મુંબઈ: કૉંગ્રેસના મોટા મોટા નેતા ચૂંટણી સમયે જ તેનો સાથ છોડી રહ્યા અને લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ માટે આ વાત પ્રતિકૂળ સાબિત થઇ શકે છે. કૉંગ્રેસના મુંબઈ ખાતેના દિગ્ગજ નેતા બાબા સિદ્દિકી (Baba Siddique)એ કૉંગ્રેસ સાથે છેડો ફાડી દીધાના સમાચાર ગુરુવારથી જ વહેતા થયા હતા અને હવે તેઓ એનસીપી (Nationalist Congress Party)માં જોડાઇ ગયા હોવાના સમાચાર છે.
અજિત પવાર જૂથની એનસીપીમાં જોડાવાની સત્તાવાર જાહેરાત તેમણે આજે કરી હતી. શનિવારે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે આ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં અજિત પવાર ઉપરાંત પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા.
કઇ રીતે એનસીપીમાં જોડાવાનો નિર્ણય લીધો એ વિશે જણાવતા સિદ્દીકીએ કહ્યું હતું કે પ્રફુલ્લ પટેલના ઘરે નાસ્તો કરતા વખતે આ વિશે ચર્ચા થઇ હતી અને ત્યારે જ મેં નિર્ણય લીધો હતો કે 10 તારીખે હું એનસીપીમાં જોડાઇ જઇશ.
મેં એ જ વખતે કૉંગ્રેસના ઉચ્ચ અધિકારીઓને આ વિશે જાણ કરી દીધી હતી અને 48 વર્ષ બાદ કૉંગ્રેસને અલવિદા કહેવાનો નિર્ણય લઇ લીધો હતો. હું એક ઉઘાડું પુસ્તક છું. ખાનદાની માણસ છું. હું કોઇનું પણ ખરાબ બોલવા ઇચ્છતો નથી. અમારે ત્યાં દૃષ્ટિકોણ રાજકારણ થઇ રહ્યું છે અને તેથી મેં આ નિર્ણય લીધો. મેં કહ્યું હતું કે મને વતાવો નહીં, નહીંતર હું છોડીશ નહીં. હું ઇચ્છું છું કે અજિત પવારના હાથમાં ઘડિયાળ હોય.
દક્ષિણ મુંબઈથી સાંસદ રહી ચૂકેલા મિલિંદ દેવરા પણ કૉંગ્રેસ સાથે છેડો ફાડીને એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થયા છે. આ સિવાય રાષ્ટ્રીય કક્ષાએ પણ વિપક્ષોના ‘I.N.D.I.A.’ જોડાણમાંથી પહેલા મમતા બેનર્જી, ત્યારબાદ નીતીશ કુમાર અને પછી આમ આદમી પાર્ટી પણ છૂટા પડી ગયા છે. એટલે આવનારી ચૂંટણીમાં કૉંગ્રસ માટે કપરા ચઢાણ હોય એવું જણાઇ રહ્યું છે.