નેશનલ

ફ્લોર ટેસ્ટ પહેલા ટેન્શનમાં લાલુ! RJD-લેફ્ટના ધારાસભ્યોને તેજસ્વી યાદવના નિવાસસ્થાને બોલાવી લેવાયા

Bihar Politics: બિહારમાં 12 ફેબ્રુઆરીએ NDA સરકારનો ફ્લોર ટેસ્ટ થવા જઇ રહ્યો છે. તે પહેલા અમુક RJD તથા લેફ્ટના ધારાસભ્યો તેજસ્વી યાદવના પટના સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતા. કહેવાઇ રહ્યું છે કે ફ્લોર ટેસ્ટ સુધી તેઓ ત્યાં જ રહેશે, તેમના રહેવા-ખાવા સહિતની તમામ સગવડો અહીં ઉભી કરી દેવામાં આવી છે.

JDU ચીફ નીતિશકુમારે 28 જાન્યુઆરીના રોજ INDIA ગઠબંધનને એક મોટો ફટકો આપતા NDA સાથે જોડાવાની જાહેરાત કરી હતી. બિહારમાં ભાજપ તરફથી 2 ડેપ્યુટી સીએમની પણ જાહેરાત કરવામાં આવી છે. સોમવારે નવી સરકારનો ફ્લોર ટેસ્ટ થશે. એવામાં ધારાસભ્યોની ખેંચતાણ થાય તેવી આશંકાને પગલે RJDએ પોતાના તમામ ધારાસભ્યો અને લેફ્ટના ધારાસભ્યોને પણ તેજસ્વી યાદવના નિવાસસ્થાને બોલાવી લીધા છે.

સોશિયલ મીડિયા સાઇટ X પર એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં હાથમાં બેગ લઇને વારાફરતી ધારાસભ્યો તેજસ્વીના ઘરમાં પ્રવેશી રહ્યા છે. પહેલા RJDએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી, તેમાં જે ધારાસભ્યો પહેલેથી હાજર હતા તેમના ઘરે નોકરોને મોકલીને તેમના કપડાં સહિતનો સામાન મંગાવાઇ રહ્યો છે. ધારાસભ્યો માટે સ્વેટર-જેકેટ, ધાબળાં સહિતની ચીજવસ્તુઓનો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. બિહાર વિધાનસભામાં RJDના કુલ ધારાસભ્યો 79 છે.

બિહારના રાજકારણમાં RJD સૌથી મોટી પાર્ટી છે. ધારાસભ્યોની કુલ સંખ્યા 243 છે જેમાંથી રાષ્ટ્રીય જનતા દળ એટલે કે RJDના 79 ધારાસભ્યો છે, નીતિશકુમારે NDA સાથે ગઠબંધનની જાહેરાત કરતા હવે RJDના તમામ ધારાસભ્યો વિપક્ષના ગણાય. કોંગ્રેસના ધારાસભ્યો 19 છે. લેફ્ટના 16 છે. આ બંને પક્ષ મળીને કુલ વિપક્ષના ધારાસભ્યો 114 થયા. સામે પક્ષે, ભાજપના ધારાસભ્યો 78, નીતિશકુમારની પાર્ટી JDUના ધારાસભ્યો 45, HAMના 5 ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્ય છે, આમ સત્તાપક્ષના ધારાસભ્યો કુલ 129 થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button