બોરીવલીમાં બિલ્ડિંગનો ભાગ રિક્ષા પર પડતા બે જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલી (પશ્ચિમ)માં નેન્સી કોલોનીમાં એક વિચિત્ર દુર્ઘટના બની હતી. ખાલી પડેલી બિલ્ડિંગને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન તેનો કાટમાળ રસ્તા પર પસાર થઈ રહેલી બે ઓટોરિક્ષા પર પડ્યો હતો, જેમાં બંને ઓટોના ડ્રાઈવર જખમી થયા હતા. તેમને નજીક આવેલી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ બોરીવલી (પશ્ચિમ)માં નેન્સી કોલોનીમાં ગણેશ મંદિર નજીક શનિવારે બપોરના લગભગ અઢી વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી, જેમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ખાલી બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન બિલ્ડિંગનો અમુક હિસ્સો રસ્તા પર પડવાની સાથે જ ત્યાંથી પસાર થઈ રહેલી બે ઓટોરિક્ષા પર પડ્યો હતો, જેમાં બંને ઓટોરિક્ષાના ડ્રાઈવર જખમી થયા હતા.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ બંને જખમીઓને નજીક આવેલી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જખમીમાં ૪૫ વર્ષના રવિકુમાર રાણા અને ૩૪ વર્ષના સુમન શુકલાનો સમાવેશ થાય છે.