સ્પોર્ટસ

ભારતના ટીનેજ ચેસ-સ્ટાર ગુકેશે એક જ દિવસમાં બે દિગ્ગજોને હરાવ્યા

વૅન્જલ્સ (જર્મની): શનિવારનો દિવસ ચેસમાં ભારત માટે તેમ જ ભારતના ટીનેજ ચેસ-સ્ટાર ગુકેશ ડી. માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય કહેવાશે. 17 વર્ષની ઉંમરના ગ્રૅન્ડમાસ્ટર ગુકેશે વિસેનહોઉસ ચેસ ચૅલેન્જ નામની જર્મન સ્પર્ધાના પહેલા જ દિવસે વર્તમાન ચેસના બે દિગ્ગજોને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. તેણે પહેલાં નોર્વેના વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસેનને હરાવી દીધો હતો અને પછી ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેનને પરાજિત કર્યો હતો.

ચેન્નઈના રહેવાસી ગુકેશ માટે દિવસની શરૂઆત સારી નહોતી, પણ અંત યાદગાર હતો. તે પહેલી મૅચમાં ફ્રાન્સના અલિરેઝા ફિરોઉઝા સામે હારી ગયો હતો. થોડી વાર પછી કાર્લસેને જર્મનીના વિન્સેન્ટ કીમર સામેની ગેમ ડ્રૉ કરવી પડી હતી, જ્યારે ડિન્ગનો અમેરિકાના ફૅબિયાનો કૅરુઆના સામે પરાભવ થયો હતો.

બીજો રાઉન્ડ શરૂ થતાં જ સમગ્ર ટૂર્નામેન્ટમાં ગુકેશની જ વાતો સંભળાતી હતી. તેણે કાર્લસેનને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. ડિન્ગનો અબ્દુસત્તારોવ સામે પરાજય થયો હતો. બીજી થોડી મૅચો રમાયા બાદ ત્રીજો રાઉન્ડ શરૂ થયો હતો જેમાં ગુકેશે 12 વર્ષ પહેલાં વર્લ્ડ નંબર-ટૂ બનેલા આર્મેનિયાના લેવૉન ઍરોનિયનને હરાવી દીધો હતો. ડિન્ગનો દિવસ ખરાબ હતો. તે ત્રીજા રાઉન્ડમાં કીમર સામે હારી ગયો હતો અને ચોથા રાઉન્ડમાં ગુકેશે પણ ડિન્ગને હરાવી દીધો હતો. કાર્લસેને ઍરોનિયન સામે જીત મેળવી હતી, પણ ભારતના 17 વર્ષના ગુકેશ સામેની હારને તે જરૂર નહીં પચાવી શક્યો હોય. 2006માં જન્મેલો દોમ્મારાજુ ગુકેશ ઑક્ટોબર, 2022માં 16 વર્ષની ઉંમરે કાર્લસેનને હરાવનાર સૌથી યુવાન હરીફ ખેલાડી બન્યો હતો.
પાંચ મહિના પહેલાં ગુકેશ ટૉપ-રૅન્ક્ડ ભારતીય પ્લેયર તરીકે વિશ્ર્વનાથન આનંદને પાર કરનાર 37 વર્ષના ભારતીય ચેસ ઇતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button