Rajkot:વિધિના બહાને નકલી ભુવાએ મહિલા પાસે કરી અભદ્ર માંગણી, કહ્યું, ‘તમારે…’
રાજકોટ: Rajkot Crime News આવા મોર્ડન જમાનામાં પણ લોકોને જ્યારે માનસિક કે શારીરિક તકલીફો પડે છે ત્યારે કોઈ તજજ્ઞ કે ડોક્ટર પાસે જવાને બદલે દોરા-ઘગા કરતાં ભુવા કે પાખંડ આદરતા લોકોના શરણે જાય છે. અને ભોળા લોકોની શ્રદ્ધાનો ફાયદો ઉઠાવીને આવા પાખંડીઓ અંધશ્રદ્ધાના જોરે રૂપિયા પણ ખંખેરે છે અને સાથે સાથે તેમના મેલા મનસૂબા પણ પૂરા કરવાની કોશિશ કરતાં હોય છે. આવો જ સમાજમાં એક લાલ બત્તી સમાન એક કિસ્સો રાજકોટથી બહાર આવ્યો છે, જેમાં એક પાખંડી ભુવાએ વિધિના બહાને માં-દીકરીની આબરૂ લૂંટવાની મેલી મુરાદ બાંધી હતી.
રાજકોટની એક પરિણીતા પોતાના સામાજિક અને લગ્નજીવનથી થોડી પરેશાન હતી.જેને લઈને તેનું સમાધાન શોધવા રત્ના ડાભી નામના લંપટ ભુવાના સંપર્કમાં આવી. આ પાખંડી ભુવાએ પરિણીતાને કહ્યું કે તમારી ઉપર કોઈએ વશીકરણ કર્યું છે જેની વિધિ કરવી પડશે.
વિધિ કરવા માટે આ ભૂવાએ પરિણીતા પાસે પંદર હજાર રૂપિયા અને છ હજાર રૂપિયા અલગથી પોતાની પુત્રીની વિધિના આપવા પડશે તેવું કહ્યું હતું. આ વાત માત્ર રૂપિયાથી અટકી ન હતી. પાખંડી ભુવાએ બંને માં-દીકરી સાથે શરીર સુખ બાંધવાની વાત કરી જેથી તમને બધા દુખોમાંથી મુક્તિ મળશે તેવું કહ્યું હતું. આ વાત સાંભળતા જ પરિણીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને સીધો જ પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ગોંડલના કથિત ભૂવા રત્ના ડાભીને પોતાના સકંજામાં લઈને પૂછપરછ કરી રહી છે અને તપાસ કરી રહી છે કે આ સિવાય કોઈ અન્યોને શિકાર બનાવ્યા છે કે નહીં. લોકોએ આવા અંધશ્રદ્ધાળુ ઓથી ચેતતું રહેવું જોઈએ નહીં તો ભવિષ્યમાં મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.