માઇકલ વૉન કેમ એવું કહે છે કે ‘ઇંગ્લૅન્ડની ટીમ ભારતમાં મહેનત કરશે તો પણ નહીં જીતી શકે’
લંડન: ઇંગ્લૅન્ડના ક્રિકેટરો ‘જેવા હરીફ એવો અપ્રોચ’ની નીતિ અપનાવીને દાયકાઓથી ક્રિકેટના મેદાન પર ઉતરતા હતા, પણ જ્યારથી ન્યૂ ઝીલૅન્ડનો બૅટિંગ લેજન્ડ બ્રેન્ડન મૅક્લમ તેમનો હેડ-કોચ બન્યો છે ત્યારથી તેઓ જાણે દિશાહીન થઈ ગયા છે. બૅઝબૉલ એટલે કે આક્રમક સ્ટાઇલથી રમવાના અભિગમથી તેઓ ક્યારેક સારું પર્ફોર્મ કરવામાં કે મૅચ જીતવામાં સફળ થાય છે અને ત્યારે સદંતર ફ્લૉપ જવાથી બૅઝબૉલની નીતિ ચર્ચાસ્પદ થઈ જાય છે.
હાલમાં તેમના ભારતપ્રવાસમાં પણ એવું જ બન્યું છે. હૈદરાબાદની પ્રથમ ટેસ્ટ જીતવામાં સફળ થયા હતા. જોકે એમાં (યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચુરી અને રાહુલ, જાડેજા, અક્ષરની ઇનિંગ્સને બાદ કરતા) ભારતની નિસ્તેજ બૅટિંગને કારણે બ્રિટિશરો થ્રિલરમાં 28 રનથી જીતી શક્યા હતા. વિશાખાપટ્ટનમાં જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે ઇંગ્લિશમેનની બૅઝબૉલની ઐસી-તૈસી કરી નાખી હતી. આ બધુ જોતાં તેમનો જ ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉન બૅઝબૉલના મુદ્દે પોતાના જ બૅટર્સ પર ખફા છે. તે સૌથી અનુભવી બૅટર જો રૂટને બૅઝબૉલનો મોહ છોડવાની સલાહ આપી જ ચૂક્યો છે, હવે તેણે આખી ટીમને કહ્યું છે કે ‘મને ડર છે કે આપણી ઇંગ્લૅન્ડની ટીમ એક દિવસ એવી બની જશે જે અથાક મહેનત કરવા છતાં મોટી સંખ્યામાં વિજય હાંસલ કરવામાં નિષ્ફળ રહેશે.’
બૅઝબૉલના અપ્રોચને કારણે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ કેટલીક મૅચને યાદગાર બનાવી શક્યા છે અને રેકૉર્ડ-બુકમાં આવી શક્યા છે, પરંતુ કોઈક મહત્ત્વના મુકાબલામાં તેમણે પરાજય પણ જોવા પડ્યા છે. એમાં ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ સિરીઝ સામેલ છે અને હવે ભારત સામેની સિરીઝમાં પણ તેમની પરીક્ષા થઈ રહી છે.
49 વર્ષના માઇકલ વૉને મીડિયાના અહેવાલમાં લખ્યું છે, ‘ઇંગ્લૅન્ડ એવી ટીમ બની ગઈ છે જેની પેટ ભરીને ટીકા થઈ જ ન શકે. કારણ એ છે કે એના પ્લેયરોને રમતા જોવાનું ખૂબ ગમે છે. હું અને બીજા કેટલાક લોકો વર્તમાન ટીમના પર્ફોર્મન્સથી બેહદ પ્રભાવિત થયા છે અને બેન સ્ટૉક્સની કૅપ્ટન્સીમાં ખેલાડીઓએ ઘણો સુધારો કર્યો છે. જોકે મને ચિંતા એ વાતની છે કે આ ટીમ ક્યાંક એવી ન બની જાય કે જે શાનદાર પર્ફોર્મ કરવા છતાં વારંવાર જીતવામાં સફળ ન રહે. તેઓ જ્યારે ઍશિઝ સિરીઝ જીતી શકે એમ હતા ત્યારે નહોતા જીતી શક્યા અને હવે તેમણે ભારતને શ્રેણીમાં કમબૅક કરવાનો મોકો આપી દીધો છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી જેવા દિગ્ગજો નથી છતાં તેમણે આ સિરીઝમાં સફળતા મેળવવાની શરૂઆત કરી લીધી છે.’
માઇકલ વૉને હવે આ રીતે બ્રિટિશ ટીમની બૅટિંગ લાઇન-અપની ખબર લેવાની શરૂઆત કરી: ‘બેન સ્ટૉક્સની ટીમ વિશાખાપટ્ટનમ ટેસ્ટની માફક બૅટિંગ કરતી રહેશે તો સિરીઝ નહીં જીતી શકે. હું તો કહું છું કે ઇંગ્લૅન્ડના બૅટર્સે સાથી બોલર્સ પાસેથી કંઈક શીખવાની જરૂર છે. ભારતમાં આપણા બોલર્સ દાયકાઓથી ચાલી આવતી પરંપરા મુજબની બોલિંગ અને આક્રમક શૈલી (બૅઝબૉલ અપ્રોચથી)ના સંયુક્ત અભિગમથી બોલિંગ કરી રહ્યા છે. ઇંગ્લૅન્ડના બૅટર્સને જાણે એવું લાગી રહ્યું છે કે તેમની પાસે એક જ અપ્રોચ છે. તેઓ પહેલા બૉલથી જ પાંચમા ગિયરમાં આવી જાય છે. આવો અપ્રોચ કેટલાક બૅટરને સારી રીતે ફાવતો હશે અને એમાં સફળ પણ થઈ શકે. એ સામે મને કોઈ વાંધો નથી, પરંતુ જો રૂટે સમજવું જોઈએ કે તેણે 10,000થી વધુ રન બૅઝબૉલના અપ્રોચથી નથી બનાવ્યા. ટીમમાંથી કોઈએ તેને સમજાવવો જોઈએ કે ભાઈ, તું તારી નૅચરલ ગેમને જ વળગી રહે એમાં જ તારી ભલાઈ છે.’
માઇકલ વૉને ઇંગ્લૅન્ડના યુવા બોલર્સના ખૂબ વખાણ કર્યા છે. તેણે લખ્યું છે, ‘ટીમમાં યુવા સ્પિન બોલર્સનો પર્ફોર્મન્સ (ખાસ કરીને ટૉમ હાર્ટલી) ઘણો સારો રહ્યો છે. પીઢ પેસ બોલર જેમ્સ ઍન્ડરસને પણ કમાલનું પ્રદર્શન કર્યું છે. ઍન્ડરસનના સપોર્ટમાં ટીમ મૅનેજમેન્ટે બીજા ફાસ્ટ બોલર ઑલી રૉબિન્સનને મેદાન પર ઉતારવો જોઈએ.’