નેશનલ

Muzaffarnagar School Slapping : સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી, નિર્દેશોનું પાલન કરવા કહ્યું

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશનના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળામાં ગત વર્ષે બનેલા થપ્પડકાંડ બાબતે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશની યોગી સરકારને આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગમાં વિલંબ માટે સરકારને ઠપકો આપ્યો છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટના નિર્દેશોનું સંપૂર્ણ ઉલ્લંઘન કર્યું છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે યુપીના એડિશનલ એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદને પૂછ્યું કે અગાઉની સૂચનાઓ હોવા છતાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (TISS) દ્વારા કાઉન્સેલિંગ કરવામાં કેમ વિલંબ થયો.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ,2023માં યુપીના મુઝફ્ફરનગરની ખાનગી શાળામાં એક શિક્ષિકાએ કથિત રીતે વર્ગના વિદ્યાર્થીઓને એક મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ શિક્ષક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

ઘટનામાં સામેલ બાળકોને કાઉન્સિલ આપવા માટે નિષ્ણાંત બાળ સલાહકારોને સહાય પૂરી પાડવા કોર્ટે TISSની નિમણૂક કરી હતી. ડિસેમ્બર 2023 માં સુપ્રીમ કોર્ટે TISS ભલામણોને કેવી રીતે લાગુ કરવાની દરખાસ્ત કરી છે એ અંગે જવાબ આપવા રાજ્ય સરકારને જવાબ આપવા કહ્યું હતું.

શુક્રવારે રાજ્યના જવાબ પર વિચાર કર્યા પછી, બેન્ચે કહ્યું કે આ દર્શાવે છે કે કાઉન્સેલિંગ પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી. જસ્ટિસ ઓકાએ કહ્યું, “TISS સૂચવે છે કે તેઓનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવામાં આવશે… TISSએ તમને એવી સંસ્થાઓના નામ પણ આપ્યા છે જેમની મદદ લેવી જોઈએ…પણ કંઈ કરવામાં આવ્યું નથી.”

યુપીના એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદે કહ્યું કે જો કે આ જવાબમાં દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે તેના નિર્દેશોને અક્ષરસઃ લાગુ કરવામાં આવે અને રાજ્ય પાસેથી નિર્દેશો પાલન થયું હોવાના અહેવાલ માંગવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટ આ મામલે 1 માર્ચે વધુ સુનાવણી કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button