સ્પોર્ટસ

ભારતીય ટીમમાંથી સિનિયર બૅટરની હકાલપટ્ટી, બેન્ગાલના ફાસ્ટ બોલરને ડેબ્યૂનો મોકો

નવી દિલ્હી: અનુભવી બૅટર શ્રેયસ ઐયરને ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ બાદ બે દિવસ સુધી પીઠમાં દુખાવો હતો, પણ હવે તે સ્વસ્થ છે એમ છતાં તેને નબળા ફૉર્મને કારણે સિરીઝની બાકીની ત્રણ ટેસ્ટ માટેની ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું. વિરાટ કોહલી હજી પણ અંગત કારણસર બ્રેક પર છે અને ઉપલબ્ધ નથી, જ્યારે કેએલ રાહુલ તથા રવીન્દ્ર જાડેજાને 17 ખેલાડીઓની સ્ક્વૉડમાં સામેલ કરાયા છે, પરંતુ ફિટનેસને આધારે જ તેઓ રમી શકશે. રાહુલ અને જાડેજા ઈજાને લીધે બીજી ટેસ્ટમાં નહોતા રમ્યા.

બેન્ગાલના સીમ બોલર આકાશ દીપને ટેસ્ટ કરીઅર શરૂ કરવાનો મોકો આપવામાં આવ્યો છે. પહેલી બે ટેસ્ટમાં રોહિત શર્મા ઉપરાંત ઐયર માત્ર બીજો બૅટર હતો જે લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો. હૈદરાબાદમાં તે 35 તથા 13 રન અને વિશાખાપટ્ટનમમાં 27 અને 29 રન બનાવી શક્યો હતો. જોકે સ્પિન સામે ખૂબ જ સારું રમી શક્તો ઐયર આગામી ટેસ્ટ મૅચો માટેની સ્ક્વૉડમાં સિલેક્ટ થઈ શકે એવું ક્લિયરન્સ તેને મળ્યું હતું, પરંતુ તેને હવે સ્ક્વૉડમાં સામેલ નથી કરવામાં આવ્યો. તે હવે મોટા ભાગે રણજી મૅચોમાં રમશે.

રજત પાટીદારને વિશાખાપટ્ટનમની બીજી ટેસ્ટથી ડેબ્યૂ કરવા મળ્યું હતું. એ મૅચમાં તેણે 32 અને 9 રન બનાવ્યા હતા અને તેણે નવી જાહેર થયેલી ટીમમાં સ્થાન જાળવી રાખ્યું છે. નવોદિત બૅટર સરફરાઝ ખાનને પણ ટીમમાં રીટેન કરાયો છે.


આકાશ દીપે તાજેતરમાં ઇંગ્લૅન્ડ લાયન્સ સામેની સિરીઝમાં ઇન્ડિયા ‘એ’ વતી ખૂબ સારું પર્ફોર્મ કર્યું હતું અને 18.72ની બોલિંગ ઍવરેજે કુલ 11 વિકેટ લીધી હતી જેને આધારે તેને ડેબ્યૂ કરવાની તક અપાઈ છે. એશિયન ગેમ્સની ચૅમ્પિયન ટીમમાં તે હતો.

મોહમ્મદ શમી પગની ઘૂંટીની ઈજાને કારણે આ સિરીઝમાં નથી રમ્યો અને બાકીની મૅચોમાં પણ નહીં રમે. જસપ્રીત બુમરાહની સાથે મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમાર પેસ બોલિંગના આક્રમણની જવાબદારી સંભાળશે.
પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં બન્ને ટીમ 1-1ની બરાબરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button