EPFO Interest Rate: PF પર વ્યાજદરમાં થયો આટલો વધારો, 7 કરોડ કર્મચારીઓને થશે ફાયદો
EPFO Interest Hike: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO સાથે જોડાયેલા 7 કરોડ કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજદરમાં વધારાની જાહેરાત થઇ ગઇ છે. હવેથી નવા વ્યાજદર 8.25 ટકાના હિસાબે કર્મચારીઓને વ્યાજ ચૂકવવામાં આવશે. આથી ગત વર્ષની તુલનામાં કર્મચારીઓને વધુ વ્યાજ મળશે.
ગત વર્ષે 28 માર્ચના રોજ EPFOએ વર્ષ 2022-23 માટે 8.15 ટકાના વ્યાજદરની જાહેરાત કરી હતી, તેમજ નાણાકીય વર્ષ 2022 માટે 8.10 ટકાના વ્યાજદરની જાહેરાત થઇ હતી. EPFO વિશેના નિર્ણયો લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝએ શનિવારે યોજાયેલી બેઠકમાં વ્યાજદરમાં 0.10 ટકાના વધારાનો નિર્ણય લીધો હતો. સીબીટીના આ નિર્ણય બાદ વ્યાજદરના વધારાની વિગતો આગળ નાણા મંત્રાલયને મોકલવામાં આવશે, અને નાણા મંત્રાલયની મંજૂરી બાદ આ વધારો લાગુ થશે.
માર્ચ 2020માં EPFO એ વર્ષ 2019-20 માટે EPF deposit પરના વ્યાજદરને ઘટાડીને સાત વર્ષના નીચલા સ્તરે 8.5 ટકા પર મુકી દીધો હતો. વર્ષ 2018-19 માટે વ્યાજદર 8.6 ટકા હતો. EPFOએ 2016-17 માટે 8.8 ટકા કર્યો હતો અને 2017-18માં આ દર 8.55 ટકા હતો.
EPFO એ ખાનગી સેક્ટરમાં કામ કરતા લોકો માટે બચતનું એક મહત્વનું સાધન છે. EPFO દ્વારા દર વર્ષે પીએફ ખાતાનું વ્યાજ આપવા માટે નવા દરોની જાહેરાત કરવામાં આવે છે. એ વ્યાદજરો મુજબ કર્મચારીના પીએફ ખાતામાં વ્યાજ જમા થાય છે. આ એકાઉન્ટ પરનું વ્યાજ વર્ષમાં એકવાર 31મી માર્ચે મળે છે.